અક્ષરધામ માત્ર મંદિર નહીં, ભારતીય મૂલ્યો - સંસ્કૃતિનું પણ સીમાચિહ્નઃ સુનાક

Wednesday 13th September 2023 06:40 EDT
 
 

નવીદિલ્હી: બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. સદભાવના અને મિત્રતાના પ્રતીક તરીકે પરંપરાગત હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અક્ષરધામના વરિષ્ઠ સંતો અને કાર્યકરો દ્વારા સુનાકનું અભિવાદન કરાયું હતું. સુનાક દંપતીને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માનિત કરાયું હતું.

બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી વિશેષ સંદેશ રજૂ કરાયો હતો. મહારાજે તેમના અને અન્ય પ્રતિનિધિઓ માટે શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ પાઠવતા લખ્યું હતું કે ‘અમે તમારા અને તમામ હાજર લોકો માટે પ્રાર્થના કરીએ છીએ.’ આ મુલાકાત દરમિયાન રિશી સુનાક સમક્ષ સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. અક્ષરધામ એ 100 એકરનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ છે, જે ભારતીય પરંપરાઓ અને પ્રાચીન સ્થાપત્યને ભવ્ય રીતે પ્રસ્તુત કરે છે સાથે સાથે જ શ્રદ્ધા, ભક્તિ અને સંવાદિતાના યુગાતીત હિન્દુ આધ્યાત્મિક સંદેશાને ઉજાગર કરે છે.
વડાપ્રધાન સુનક અને તેમના પત્નીએ મુખ્ય મંદિરમાં પવિત્ર મૂર્તિઓના ખૂબ જ આદરપૂર્વક દર્શન અને આરતી કર્યા હતા. તેમણે ભારતીય કળા અને સ્થાપત્યની ખૂબ પ્રશંસા કરી હતી. દંપતીએ વિશ્વ શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.
સુંદરતા અને સંવાદિતાનું પ્રતીક
વડાપ્રધાન સુનાકે અક્ષરધામ મંદિર મુલાકાતને વર્ણવતા કહ્યું કે ‘આજે સવારે દર્શન અને પૂજા માટે સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લઇને મને અને મારા પત્નીને આનંદ થયો. અમે આ મંદિરની સુંદરતા અને તેના શાંતિ, સંવાદિતા અને વધુ સારા માનવ બનવાના સાર્વત્રિક સંદેશથી અભિભૂત થઇ ગયા. આ માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ એક સીમાચિહ્ન છે જે ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને વિશ્વમાં ભારતના યોગદાનને પણ દર્શાવે છે. આજે બ્રિટિશ સમુદાયના સકારાત્મક યોગદાન દ્વારા સમગ્ર બ્રિટનમાં પણ આ જ ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને આપણે જીવંત જોઇ શકીએ છીએ. આજે સવારે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે મને જે આશીર્વાદ પાઠવ્યા હતા તે આશીર્વાદ પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું.’
સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ઉમેર્યું હતું કે ‘વડાપ્રધાન સુનાકનું સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્વાગત કરવું અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શાંતિ, એકતા અને જનસેવાના સંદેશને લોકો સુધી પહોંચાડવો એ ગૌરવની વાત છે. યુકેનો ભારત સાથેનો સંબંધ મિત્રતાના બંધન પર બાંધવામાં આવ્યો છે અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન તેમજ યુકેમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ મુલાકાત દ્વારા આ સંબંધને વધુ મજબૂત કરતાં અમને આનંદ થયો.’ વરસાદી માહોલ છતાં બ્રિટિશ વડાપ્રધાને મંદિરમાં તમામ સ્થળે જઇને દર્શન કર્યા હતા અને મુલાકાત માટે લગભગ એક કલાક જેટલો સમય ફાળવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter