આણંદઃ નગરના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
ચરોતર પ્રદેશ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રની આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર અક્ષરફાર્મ પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું.
સવારે 6.30 વાગ્યે પ્રભુસ્મરણ અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ બીએપીએસના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનાં કીર્તનો ગાઈને અક્ષરફાર્મ પરિસરના વાતાવરણને ઓજસ્વી બનાવી દીધું. આજની વિશેષ સ્વતંત્રતા દિવસની પરેડમાં સુરક્ષા વિભાગના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. મહંતસ્વામી મહારાજે અક્ષરફાર્મ પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનો બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી હતી.
92 વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રગાન કર્યા બાદ તિરંગાને સલામી આપીને સમગ્ર રાષ્ટ્રને નાગરિક કર્તવ્યનો બોધ આપ્યો. આ પ્રસંગે વરિષ્ઠ સંત આદર્શજીવનદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું, ‘આજે આપણી ફરજ છે કે દેશની ગૌરવશાળી વિરાસતને સાચવીએ. જીવનમાં સદાચાર લાવીએ એ જ સાચી સ્વતંત્રતા છે.’
ત્યારબાદ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે પ્રાતઃ પૂજામાં ઠાકોરજીને ભારત દેશના વિકાસ માટે અને ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
વ્હાલા કહાન મારા ઘરે આવો...
જન્માષ્ટમી પર્વની ઉજવણી
શ્રાવણ વદ આઠમના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા પ્રાગટ્યોત્સવ જન્માષ્ટમીની મહંતસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ઉજવાઈ હતી. યુવા વૃંદ દ્વારા ધૂન, કીર્તન અને ‘ધન્ય ધન્ય ગોકુળ વાસી, વ્હાલા રૂમઝૂમ કરતા ક્હાન મારે ઘેર આવો’ દ્વારા કૃષ્ણમય આંદોલનો રેલાયા એ સાથે સભાની શરૂઆત થઈ હતી. આ સંદર્ભમાં વિદ્વાન વક્તા આદર્શજીવનદાસ સ્વામીએ વિશેષ છણાવટ કરીને ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યમાં જોવા મળતી સામ્યતાના પ્રસંગો નિરુપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના કૃષ્ણ જન્મોત્સવ વિષયક વીડિયો આશીર્વાદ પણ સૌને પ્રાપ્ત થયા હતા.
પૂ. મહંતસ્વામી મહારાજે પ્રાસંગિક આશીર્વાદ આપતા જણાવ્યું હતું. ‘શ્રીકૃષ્ણ ભગવાન કૃપાળુ દયાળુ અને ભક્ત વત્સલ હતા. વિદુરજીની ભાજી જમ્યા. તેઓ રાજા હોવા છતાં ગરીબ સુદામાને ભેટ્યા, પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પતરાવડા ઉપાડવાની સેવા કરી. એમાંથી આપણે શીખવાનું કે ગમે તેટલા મોટા થઈએ તો પણ નમ્રતા રાખવાની, ભગવાન પ્રત્યે નિષ્ઠા દ્રઢ કરવાની, સ્વરુપ નિષ્ઠા એકડો સાધન બધા જ મીંડા છે. આવી નિષ્ઠા ભગવાનના એકાંતિક સંતના સમાગમથી થાય છે. અંતમાં કૃષ્ણ જન્મોત્સવની આરતી અને જન્મોત્સવની કીર્તન ભક્તિ મંચ ઉપરથી રજૂ થઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યોનું સ્મૃતિગાન
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016 ના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામ પધાર્યા હતા. જેમની સ્મૃતિમાં પ્રમુખસ્વામી સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પૂ. પ્રમુખસ્વામી મહારાજના યુગકાર્યો અને તેમના દિવ્યગુણોની સ્મૃતિ કરાઇ હતી. સદ્ગુરુ ત્યાગવલ્લભ સ્વામીએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની ઠાકોરજી પ્રત્યેની નિષ્કામ ભક્તિના પ્રસંગો રજૂ કર્યા હતા. યુવાવૃંદે ભક્તિ નૃત્ય રજુ કરી સ્વામીના ચરણે ભાવવંદના અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂજ્ય સંતોએ સ્વામીના પ્રેરક પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા.