સંત સાંનિધ્યે સાહિત્યોત્સવઃ એસજીવીપી છારોડી ગુરુકૂળમાં એકસાથે 49 પુસ્તકનું વિમોચન

Sunday 05th March 2023 05:26 EST
 
 

અમદાવાદઃ એસજીવીપી ગુરુકૂળ ખાતે શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ગુજરાત સાહિત્ય અકાદમી અને ઝેડ કેડ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, સાહિત્યના વિદ્વાન ભજનિક નિરંજનભાઈ રાજ્યગુરુ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ભરત જોષી, હિમાલયના પદયાત્રી અને ભારતીય સંસ્કૃતિના અધ્યાત્મયાત્રી શ્રી ભાણદેવજી, સાગર યુનિવર્સિટીના કુલપતિ ડો. બળવંતભાઈ જાની, વિશ્વકોષ-ગુજરાતના પ્રમુખ પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, ઝેડ કેડ ફાઉન્ડેશનના પ્રકાશક મનીષભાઈ પટેલ અને જાણીતા સાહિત્યકારો અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ‘સંત સાંનિધ્યે સાહિત્યોત્સવ' પ્રસંગે એકસાથે 49 પુસ્તકનું વિમોચન કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતે વિદેશ વસતા પોતાની દીકરી પ્રાર્થનાને ભાગ્યેશ જહાએ લખેલા પત્રોનાં સંક્લન પુસ્તકનું વિમોચન કરાયું હતું. પુસ્તકનો આસ્વાદ નિસર્ગ આહીરે કરાવ્યો હતો. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ એસજીવીપી ગુરુકુલની સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિની ઝાંખી કરાવી હતી.
બીજાં સત્રમાં ચાર બાલ સાહિત્યકારો વિશાલ ઠક્કર, શાબ્દી દોશી, ભવ્યા શિરોહી અને જેનેશ પટેલનાં બાલ સાહિત્યોનું વિમોચન કરાયું હતું. ત્રીજા સત્રમાં નારી ચેતના સોનલ પંડયા, મિત્તલ પટેલનાં પુસ્તકોનું વિમોચન કરાયું હતું. ચોથાં સત્રમાં માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ઈઝરાયેલની ધર્મયાત્રા પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ.
આ પ્રસંગે સ્વામીજીએ ઈઝરાયલની ભૌગોલિક પરિસ્થિતિ, ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં નીડર, ખેતીના નવ સંશોધનો તેમજ અન્ય રસપ્રદ વાતો કરી હતી. આ પુસ્તકો વિશે નિરંજનભાઈ રાજ્યગુરુ, બળવંતભાઈ જાની, કુમારપાળ દેસાઈ હાસ્યક્લાકાર જગદીશ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન આપેલ. ઝેડ કેડ ફાઉન્ડેશન પ્રકાશનના મનીષભાઈ પટેલનાં દાદીમા ઈચ્છાબાની પવિત્ર સ્મૃતિમાં ઈચ્છાબા શિક્ષણરત્ન એવોર્ડ શિક્ષણસેવી જશીબેન નાયકને, ઈચ્છાબા સાહિત્ય એવોર્ડ પ્રસિદ્ધ ગાયક, અભિનેતા અને સાહિત્યકાર અરવિંદ બારોટને અને ઈચ્છાબા યુવાગૌરવ પુરસ્કાર કિશન કલ્યાણીને અર્પણ કરાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter