સાચા ભારતીય માટે તમામ ધર્મોના આદરનું વિશેષ મહત્ત્વઃ પ્યુનું સંશોધન

Wednesday 07th July 2021 06:03 EDT
 

નવી દિલ્હી, ન્યૂ યોર્કઃ ભારતના ટકાઉ ધર્મનિરપેક્ષ મૂલ્યોને પ્રતિપાદિત કરતું હોય તેમ અમેરિકાની સંસ્થા પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે તેના ૨૩૨ પાનાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મોટા ભાગના ભારતીયો તમામ ધર્મોને આદર આપે છે કારણકે આ તેમના માટે સાચા ભારતીય હોવાનું લક્ષણ છે. ભારતમાં તમામ નાગરિકોને પોતાના ધર્મોનું પાલન કરવાની સ્વતંત્રતા મળેલી છે. પ્યુ સેન્ટરે આશરે ૩૦,૦૦૦ ભારતીયોની રુબરુ-આમનેસામને મુલાકાતો લઈને આ રિપોર્ટ ૨૯ જૂને જારી કર્યો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે,‘ સહિષ્ણુતા ધાર્મિક અને નાગરિક મૂલ્ય છેઃ ભારતીયો એ બાબતે એકમત છે કે અન્ય ધર્મોનો આદર કરવો તે પોતાના જ ધાર્મિક સમુદાયના સભ્યની ઓળખ હોવા જેટલું જ મહત્ત્વપૂર્ણ છે.’ આની સાથે ૮૦ ટકા હિન્દુ, ૭૫ ટકા શીખ, ૭૯ ટકા મુસ્લિમ, ૭૮ ટકા ક્રિશ્ચિયન્સ પણ સહમત થાય છે. બીજી તરફ,  તમામ ધર્મો માટે આદર એ ભારતીય હોવાનું અવિભાજ્ય અંગ છે તેમ ૮૫ ટકા હિન્દુઓ તેમજ ૭૮-૭૮ ટકા મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ માને છે. પોતાનો ધર્મ પાળવાની ‘સંપૂર્ણ આઝાદી’ હોવાની માન્યતા સાથે ૯૧ ટકા હિન્દુ, ૮૯-૮૯ ટકા મુસ્લિમ અને ક્રિશ્ચિયન્સ તેમજ ૮૨ ટકા શીખધર્મી પણ સહમત છે.

વિશ્વની અગ્રણી થિન્ક ટેન્ક્સ અને ઘર્મ અને સમાજ બાબતે પોલિંગ સંસ્થાઓમાં સ્થાન ધરાવતા પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે ૨૦૧૯ના ઉત્તરાર્ધ અને કોરોના મહામારી ત્રાટકી તે અગાઉના સમયગાળામાં સમગ્ર ભારતમાંથી ૧૯ ભાષાઓમાં લોકોના ઈન્ટરવ્યૂઝ લીધાં હતા. ધાર્મિક માન્યતાઓ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓને આવરી લેતા મતદાન પર આધારિત રિપોર્ટને સંક્ષેપમાં હિન્દી અને તામિલ ભાષામાં પણ મૂકાયો છે. જોકે, ઘણા હિન્દુઓના મતે સાચા ભારતીય હોવા માટે હિન્દુ ધર્મમાં આસ્થા અને હિન્દી બોલવું આવશ્યક છે. ૬૪ ટકા હિન્દુ માટે હિન્દુ ધર્મમાં હોવું અને ૫૯ ટકા માટે હિન્દી ભાષા બોલવી સાચા ભારતીય ગણાવા માટે આવશ્યક છે. જોકે, આવી માન્યતા ધરાવતા અને ભાજપને મત આપનારા ૬૫ ટકા હિન્દુઓ માને છે કે દેશ માટે ધાર્મિક વૈવિધ્યતા સારી છે.

રિપોર્ટમાં ભારતના વિભાજનનો મુદ્દો પણ આવરી લેવાયો હતો. ૬૬ ટકા શીખ અને ૪૮ ટકા મુસ્લિમોએ વિભાજનને ખરાબ ગણાવ્યું હતું જ્યારે, માત્ર ૩૭ ટકા હિન્દુ અને ૩૦ ટકા ખ્રિસ્તી આ સાથે સંમત થયા હતા. ૪૩ ટકા હિન્દુ, ૩૦ ટકા મુસ્લિમ, ૨૫ ટકા શીખ અને ૩૭ ટકા ક્રિશ્ચિયન્સે વિભાજનને સારું ગણાવ્યું હતું.

ભારતમાં જ્ઞાતિ-જાતિના વાડાના અવરોધો નબળાં પડી રહ્યાં છે તેની નિશાની તરીકે સંશોધનમાં જણાવાયું છે કે અન્ય જ્ઞાતિઓના ૭૨ ટકા ભારતીયોએ દલિત પોતાના પાડોશી હોય તેમાં કોઈ વિરોધ દર્શાવ્યો ન હતો. જોકે, ૬૬ ટકા હિન્દુઓ અને ૬૪ ટકા મુસ્લિમો પોતાને એકબીજાથી તદ્દન અલગ હોવાનું માને છે. ૮૪ ટકા હિન્દુઓ અને શીખો જ્યારે, ૯૧ ટકા મુસ્લિમ અને ૭૬ ટકા ખ્રિસ્તીઓ માટે જીવનમાં ધર્મનું વિશેષ મહત્ત્વ હતું

૭૭-૭૭ ટકા હિન્દુ અને મુસ્લિમ તેમજ ૫૪ ટકા ખ્રિસ્તીઓ કર્મના સિદ્ધાંતમાં માનનારા છે. ગંગાજળમાં પવિત્ર કરવાની શક્તિ હોવાનું ૮૧ ટકા હિન્દુ અને ૩૨ ટકા ખ્રિસ્તીઓ માને છે. ૨૯ ટકા ખ્રિસ્તીઓ અને ૨૭ ટકા મુસ્લિમો પુનર્જન્મને સ્વીકારે છે.

લગ્નની વાત કરીએ તો ધાર્મિક અને જ્ઞાતિઓની દૃષ્ટિએ ભારે વિરોધ જોવાં મળે છે. ૮૦ ટકા મુસ્લિમો, ૬૭ ટકા હિન્દુઓ પોતાના ધર્મની સ્ત્રીઓ પરધર્મી સાથે લગ્ન કરે તેના વિરોધી હતા જ્યારે પુરુષોની બાબતે ૭૬ ટકા મુસ્લિમો, ૬૫ ટકા હિન્દુઓ પરધર્મી સાથે લગ્નના વિરોધી હતા. શીખોમાં આંતરધર્મી લગ્નના વિરોધમાં સ્ત્રીઓ માટે ૫૯ ટકા અને પુરુષો માટે ૫૮ ટકા વિરોધી હતા. સમગ્રતયા ૬૪ ટકા ભારતીયોએ તેમના સમુદાયની સ્ત્રી અન્ય જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કરે તેના વિરોધી છે જ્યારે પુરુષો બાબતે આ મુદ્દે ૬૨ ટકાવારી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter