હળવે હૈયે...

Wednesday 07th August 2019 07:25 EDT
 

શિક્ષિકાઃ ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એમ કહેવાય છે. આ કહેવામાંથી તું શું શીખ્યો?
વિદ્યાર્થીઃ એ જ કે ભણવાનું મૂકી દઈ હવે મારી પાછળ ઊભી રહે તેવી સ્ત્રી શોધી લેવી જોઈએ.

લીલીઃ લગ્નની સૌથી સરળ વ્યાખ્યા શું?
ચંપાઃ લગ્ન એટલે બે લોકો ભેગા મળીને એવી સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસ કરે છે જે લગ્ન પહેલાં ક્યારેય હતી જ નહીં.

ભૂરોઃ તમારું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે?
જિગોઃ કાશ્મીર જેવું.
ભૂરોઃ એટલે?
જિગોઃ સુંદરતા ભારોભાર છે પણ સાથે સાથે આતંક પણ એટલો જ છે.

જિગોઃ આ શું લઈ આવ્યો?
ભૂરોઃ પાલકની ભાજી લાવ્યો છું.
જિગોઃ તને કશું આવડતું નથી. આ તું કોથમીર લઈને આવ્યો છું.
લીલીઃ તમે બન્ને તમારું જ્ઞાન તમારી પાસે રહેવા દો... તમારા હાથમાં જે છે એ ફુદીનો છે.

ભૂરોઃ સાહેબ મારે પત્નીથી છૂટા થવું છે.
વકીલઃ કારણ શું છે?
ભૂરોઃ છ મહિનાથી મારી સાથે વાત નથી કરતી, કશું જ બોલતી નથી.
વકીલઃ ફરીથી વિચાર કરી લો. આવી પત્ની ભાગ્યશાળી લોકોને જ મળે છે.

લીલીઃ એક કામ તમારાથી સરખુ થતું નથી.
જિગોઃ કેમ મેં શું કર્યું?
લીલીઃ ગયા અઠવાડિયે ગેસનો બાટલો લગાવ્યો હતો યાદ છે?
જિગોઃ હા.
લીલીઃ ત્યારથી અત્યાર સુધીમાં બે વખત દૂધ ઊભરાઈ ગયું અને બે વખત ગરમ કરેલું દૂધ ફાટી ગયું.

ભૂરોઃ તારા પિતાની દાઝ્યા પર ડામ આપવાની આદત ગઈ નથી.
ચંપાઃ કેમ?
ભૂરોઃ આજે ફરીથી મને પૂછતા હતા કે જમાઇરાજ, મારી દીકરી સાથે લગ્ન કરીન ખુશ છો ને?

ચંપાઃ પ્રેમીઓની જોડી તો સ્વર્ગમાં બનીને આવે છે.
લીલીઃ હા, બગીચામાંથી તો ખાલી પકડાય છે.

જિગોઃ પપ્પા હવે કોલેજ જવા એક બાઈક લઈ આપો.
પપ્પાઃ જિગા, જો બાજુવાળા અંકલની દીકરી પણ તારી જ કોલેજમાં છે... રોજ કેવી લોકલ બસમાં જાય છે...
જિગોઃ પપ્પા એ જ તો જોવાતું નથી કે એ બસમાં જાય છે. બાઇક હોય તો બસની રાહ ન જોવી પડે.

પોલીસઃ તું તો બે દિવસ પહેલા પણ પાંચસો રૂપિયાનો ચોરીમાં પકડાયો હતો ને?
ભૂરોઃ સાહેબ, આજે મોંઘવારીમાં પાંચસો રૂપિયા કેટલું ચાલે?

લીલીઃ બે દિવસ પછી તો મારા લગ્ન છે... હવે કેમ આવ્યો છે મારા ઘરે?
ભૂરોઃ કેટરિંગના ઓર્ડર માટે... તારા પ્રેમમાં કામધંધાય છોડી દેવાના?!

જિગોઃ તને ક્યારેય મારો પ્રેમ ભારરૂપ લાગે તો કહેજે.
ચંપાઃ કેમ?
જિગોઃ તો બીજી જોડે ગોઠવાઈ જઈશ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter