હળવે હૈયે...

Wednesday 25th March 2020 08:51 EDT
 
 

એક માણસની મગજની ક્ષમતા ૨.૫ ટેરાબાઈટ છે. સાદા શબ્દોમાં કહું તો ૧૬ જીબી મેમરીવાળા ૯ લાખ ૫૬ હજાર સ્માર્ટ ફોન જેટલી ક્ષમતા આપણું મગજ ધરાવે છે.
વિચારવા જેવી વાત છે કે આટલા શક્તિશાળી મગજને પત્ની એક સેકન્ડમાં બગાડી શકે છે.

પતિ (ડાયાબિટીસનું નિદાન થયા બાદ પત્નીને)ઃ ડોક્ટરે મોળી ચા પીવાનું કહ્યું છે.
પત્નીઃ અલગ-અલગ ચા નહીં બને. લાડવો ખાઈને માથે ચા પી લેજો એટલે મોળી લાગશે.
છગનઃ હેં!?

રેલ્વેના ફાટકવાળા માટે ઈન્ટરવ્યુ ચાલી રહ્યો હતો. સાહેબે પૂછ્યું, ‘જો એક જ પાટા પર બે ટ્રેનો સામસામેથી આવતી હોય તો તમે શું કરો?’
‘સાહેબ, લાલ સિગ્નલ ચાલુ કરી દઉં.’
‘પણ સિગ્નલ બગડેલું હોય તો?’
‘લાલ ઝંડીઓ બતાડું...’
‘હા. પણ રાતનો ટાઈમ હોય તો?’
‘તો ફાનસ ઝાલીને જોરજોરથી હલાવું.’
‘પણ ફાનસમાં કેરોસીન જ ના હોય તો?’
‘તો મારા નાના ભાઈને બોલાવી લાવું.’
‘કેમ ? એ કોઈ એકસ્પર્ટ છે?’
‘ના, પણ એને એક્સિડેન્ટ જોવા ગમે છે!’

જિગોઃ અરે સાંભળ...
લીલીઃ ચૂ...પ જમવા દરમિયાન કંઇ બોલવાનું નહીં...
જમી લીધા બાદ લીલીએ પૂછ્યુંઃ ‘હવે બોલ શું કહેતો હતો?’
જિગોઃ તારા શાકમાં માખી પડી હતી.

લીલીઃ કેમ આવ્યો અત્યારે?
જિગોઃ મારી મમ્મીએ મોકલ્યો છે.
લીલીઃ શું કહ્યું છે તારી મમ્મીએ?
જિગોઃ એમણે કહ્યું કે, લીલીમાસી જોડેથી ઇસ્ત્રી લઈ આવ.
લીલીઃ બીજું કંઈ કહ્યું છે?
જિગોઃ હા, એવું કહ્યું હતું કે જો એ જાડી ના પાડે તો ચંપામાસી જોડેથી લઈ લેજે.

એક વિમાન તોફાનમાં ફસાઈ ગયું હતું. પાયલટ પ્રવાસીઓને સંબોધીને બોલ્યો, ‘કોઈને બચવા માટે પ્રાર્થના આવડે છે? એક બાબા ખુશ થઈ બોલ્યા, હા, મને આવડે છે!
પાયલટઃ બહુ સરસ. તમે પ્રાર્થના કરો કારણ કે એક પેરાશૂટ ઓછું છે.

પત્નીઃ અડધી રાત થઈ ગઈ. હજુ ક્યાં છો?
પતિઃ અરે ગાંડી, એક ગરબડ થઈ ગઈ છે. કારમાં બેઠો છું પણ કારમાંથી સ્ટિયરિંગ, ક્લચ, બ્રેક, એક્સિલેટર બધું જ ગાયબ છે.
પત્નીઃ તમે ફરી દારૂ ઢીંચીને બેઠા?
પતિઃ થોડોક જ. પણ તું જ કહે હવે આવી ગાડીનું શું કરું?
પત્નીઃ એમ કરો તમે ડાબી તરફની સીટ પરથી જમણી તરફની સીટ પર આવી જાવ, ત્યાં બધું છે. ડ્રાઈવ કરીને આવી જાવ.

એક બાળકે સ્કૂલે આવતાંની સાથે જ તેની મમ્મીને પૂછ્યુંઃ ‘મમ્મી, હું ક્યારે એટલો મોટો થઈશ કે તને પૂછ્યા વિના મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું.’
મમ્મીઃ જો બેટા, એટલા મોટા તો તારા પપ્પા પણ નથી થયા કે મને પૂછ્યા વિના જ્યાં જવું હોય ત્યાં જઈ શકે.

મનુઃ લગ્ન તો હંમેશા ટેસ્ટી જમવાનું બનાવનારી સાથે જ કરવા જોઈએ.
કનુઃ કેમ એવું?
મનુઃ એમાં શું છે કે લગ્ન પછી પ્રેમ ઓછો થઈ શકે છે, પણ ભૂખ નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter