એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી પૂરક એફિડેવિટમાં રાજકોટના શરાફ પંકજ ચીમનલાલ લોઢિયા, ડાબર જૂથના પ્રદીપ બર્મન અને ગોવાના ખાણ ઉદ્યોગપતિ રાધા ટિમ્બલુનાં નામોને પુરાવા સાથે રજૂ કર્યા છે. આ ત્રણેય વિરુદ્ધ પર્યાપ્ત માત્રામાં પુરાવા મળ્યા હોવાથી નામોનો કોર્ટ સમક્ષ ખુલાસો થયો છે. આ સાથે જ સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનારાં ૧૩૬ લોકોનાં નામોની પ્રથમ યાદી પણ બંધ કવરમાં કોર્ટને સોંપી છે. સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું કે, જે કોઈપણ મુદ્દે કરચોરીની વાત સામે આવશે તેનો કોર્ટ સમક્ષ ખુલાસો થશે.
સરકારે ખુલાસો કરેલા ત્રણેય લોકો વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને તેમના વિરુદ્ધ પુરાવા એકઠા થઇ રહ્યા છે. આ ત્રણેય લોકોએ એ સાબિત કરવું પડશે કે, તેમણે વિદેશી બેંકોમાં રાખેલાં નાણાં કાળું ધન નથી અને આ મામલે આરબીઆઈના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું નથી. આરબીઆઈના દિશાનિર્દેશ અનુસાર, કોઈ પણ ભારતીય વિદેશી બેંકમાં કાયદેસર રીતે ૧ લાખ ૨૫ હજાર ડોલર જમા કરાવી શકે છે.
