દિવાળી પહેલા ૧૨૦૧ કર્મચારીઓ માટે આ કાર્યક્રમ યોજાયો તેને કારણે સમગ્ર હીરાઉદ્યોગ અને કોર્પોરેટ જગતમાં હલચલ મચી હતી. કંપનીએ કર્મચારીઓ માટે અંદાજે રૂ. ૪૫ કરોડ ફાળવ્યા છે.
ડીટીસી સાઇટ હોલ્ડર કંપની શ્રી હરેક્રિષ્ણા એક્સપોર્ટસમાં ૭૭૦૦ કર્મચારીઓ કામ કરે છે. કંપનીને આગળ લઈ જવામાં મદદરૂપ થનારા કર્મચારીઓને પરર્ફોમન્સ ઇન્સેન્ટીવ આપવાનું નક્કી કરવામા આવ્યું હતું. વર્ષની શરૂઆતથી કામગીરીનું મૂલ્યાંકન થઈ રહ્યું હતું પણ કર્મચારીઓને વાતની જાણ થવા દેવામાં આવી નહોતી. દિવાળી પર્વે કંપનીએ ૧૨૦૧ કર્મીના નામ જાહેર કર્યા ત્યારે તેઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા.
આ દરેક માટે રૂ. ૩.૬૦ લાખની રકમ નક્કી કરવામાં આવી હતી પણ કંપનીએ તેમની જરૂરીયાતને આધારે વસ્તુ આપી હતી અને એવી શરત મુકવામાં આવી હતી કે પહેલો લાભ પરીવારને આપવો.