અનેક સ્થળે વરસાદથી નવરાત્રિ બગડીઃ

Friday 12th December 2014 07:48 EST
 

રાજકોટ, જૂનાગઢ, કેશોદ, સાસણ-ગીર ઉપરાંત વડોદરાની આસપાસના વિસ્તારોમાં સોમવારે વ્યાપક વરસાદ થયાના અહેવાલો છે. ગીરપંથકમાં તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમા વીજળીના કડાકા-ભડાકા સાથે ખાબકેલા વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી છે. તાલાલાના ધણેજ(બાકુલા)માં પાંચ વ્યક્તિઓ પર વીજળી પડતાં તે પૈકીના એક ખેડૂત અને ખેતમજૂરનું મોત થયું છે. આ ઉપરાંત ગત સપ્તાહે સુરતમાં બે કલાકમાં ઇંચ અને ડાંગ-આહવા વિસ્તારમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો.

 • મોદી વિરોધી પ્રદીપ શર્માની ધરપકડઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક આરોપ મુકનાર અને ભ્રષ્ટાચારના ઘણા કેસમાં ફસાયેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની મંગળવારે ગાંધીનગરમાં તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ આ ધરપકડ કરી છે. પ્રદીપ શર્મા પર એક ખાનગી કંપનીને જમીન આપવા અને અન્ય મદદ કરવાનો આરોપ છે. આ મામલો વર્ષ ૨૦૦૩નો છે જ્યારે શર્મા ભૂજના કલેક્ટર હતા. આ અગાઉ ૨૦૧૦માં પણ તેમની ધરપકડ થઇ હતી. ગુજરાત એસીબીના ડિરેક્ટરે જણાવ્યું કે, શર્મા પર આરોપ છે કે 'તેમણે વેલ્સપન ગ્રૂપને જમીનની કિંમતનો ચોથો ભાગ લઈને કચ્છમાં જમીન આપી હતી. આ મામલે તેમની ધરપકડ કરી છે.’

સ્વામિનારાયણના પલાયન સાધુ અમેરિકાથી ડિપોર્ટઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટના સાધુ ચિદાનંદદાસ (પ્રકાશચંદ્ર કાન્તિલાલ પટેલ) મંદિરમાંથી રહસ્યમય રીતે પલાયન થતાં વિવિધ ચર્ચા શરૂ થઈ હતી. સાધુ પાસે અમેરિકાના વિઝા હોવાથી તેઓ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ, મંદિરે લેખિતમાં કોન્સ્યુલેટ જનરલને ફરિયાદ કરતા સાધુને ડિપોર્ટ કરાયા હતા. ડિપોર્ટ થયેલા સાધુને મંદિરે મણિનગર પોલીસમાં રજૂ કર્યા બાદ મુક્ત કરાયા હતા. બીજી બાજુ, સાધુ કોઈ મહિલાને લઈને પલાયન થયાની ચર્ચા ચાલી હતી. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ટ્રસ્ટ ખાતે છેલ્લાં ૧૮ વર્ષથી રહેતા સાધુ ચિદાનંદદાસ ૧૧ સપ્ટેમ્બરથી મંદિરમાંથી રહસ્યમય સંજોગોમાં નીકળી ગયા હતા. પોલીસ અધિકારી રીમા મુન્શીએ કહ્યું કે, સાધુ ગુમ થયાની જાણવાજોગ નોંધ મણિનગર પોલીસમાં થઈ હતી. સંપ્રદાય તરફથી તેમને પાસપોર્ટ અને વિઝા મળ્યા હોવાથી સંપ્રદાયે અમેરિકન એમ્બેસીને સાધુ અંગે જાણ કરી હતી જેથી તેમને ડિપોર્ટ કરાયા હતા. તેમનું નિવેદન લઈ મુક્ત કર્યા હતા.


comments powered by Disqus