એચ. જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના એમ. વાય. હાથીના જણાવ્યા મુજબ એચ. જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ ડિફેન્સ અને સેટેલાઈટ વ્હીકલ માટે તથા અન્ય પ્રોજેકટમાં છેલ્લા ૩૦ વર્ષથી નાના-મોટા પાર્ટસ મોકલાવતી રહી છે. અમે આ યાનમાં ઉપયોગમાં લેવાયેલી ખાસ પ્રકારની સ્ટીલ રિંગ બનાવી છે, જે વજનમાં ખૂબ હળવી હોવા છતાં મજબૂત છે.
• રાજકોટમાં પેટા-ચૂંટણીનો તખતો તૈયારઃ રાજકોટની વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે તખતો તૈયાર થઇ ગયો છે. પટેલ મતદારોનો પ્રભાવ ધરાવતી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે જૈન ઉમેદવાર વિજય રૂપાણીને ટિકિટ આપતા કોંગ્રેસે જયંતિભાઇ કાલરિયાનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારીને રાજકોટ ભાજપમાં આંતરિક વિગ્રહને તેજ બનાવવા પત્તું ખોલ્યું હોવાનું મનાય છે.
• મોરારિબાપુનો ‘સર્વધર્મ સમભાવ’ઃ હંમેશા સર્વધર્મ સમભાવનો સંદેશો ફેલાવતાં પૂ. મોરારિબાપુએ પોતાના ગામ તલગાજરડાના આર્થિક નબળા દંપતીની હજયાત્રાનો તમામ ખર્ચ ઉઠાવીને અનોખું ઉદાહરણ આપ્યું છે. તલગાજરડાની સ્કૂલમાં પગીની નોકરી કરતા ૬૪ વર્ષના યુનુસભાઈ મલેક અને તેમનાં પત્નીની લાંબા સમયથી હજયાત્રા કરવાની ઇચ્છા ધરાવતા હતા, પણ આર્થિક કારણસર મેળ પડતો નહોતો. બાપુને જ્યારે આ વાતની ખબર પડી તો તરત તેમણે આ દંપતીને તરત જ પોતાના અંગત ખર્ચે હજ કરાવવાની વ્યવસ્થા કરી આપી છે. આ અંગે યુનુસભાઈ કાઠિયાવાડી લ્હેકામાં કહે છે કે, ‘રામના સેવક અલ્લાહના બંદાને હજ કરવા મોકલે તેમના માટે હું શું કહી શકું. બાપુએ અમારો ખર્ચ આપ્યો ન્યાં જ મારી તો હજ પૂરી થઈ એવું કહું તોય ચાલે.’
