એટલું જ નહીં, હિમસન સિરામીક ગ્રૂપના નિમેશ બચકાનીવાલા તથા ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે આ સફળતા પછી ફોનમાં અભિનંદનની આપ-લે પણ થઈ છે. બચકાનીવાલાએ જણાવ્યું હતું કે ૧૯૯૫થી તેઓ સિરામિક (એલ્યુમિનિયા-અણિશુદ્ધ ધાતુ) ઈસરોને આપે છે અને આ મટીરીયલ્સનો ઉપયોગ અત્યાર સુધીના ઘણા યાનમાં થયો છે. મંગળ યાનમાં પણ આ સિરામિકનો ઉપયોગ થયો હતો.
• ઇમામને યુવાનનો લાફો પડ્યોઃ ‘નવરાત્રિના ઉત્સવની ઉજવણીને રાક્ષસોનો તહેવાર’ ગણાવીને વિવાદનો મધપૂડો છંછેડનારા ઠાસરાના ઈમામ મહેંદી હસનને પોલીસ અટકાયત બાદ ઠાસરાની કોર્ટમાં લઈ જવાતો હતા ત્યારે એક યુવાને લાફો ઝીંકી દેતા તે જમીન પર પટકાયા હતા. જોકે, આ ઘટના બાદ પોલીસે વકીલનો વેશ ધારણ કરીને આવેલા ઠાસરા તાલુકાના મીઠાના મુવાડાના યુવાન રાકેશ પટેલને ઝડપી લીધો હતો. ઈમામને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને ૧૪ દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યા હતો.
• તાપી નદીમાં પ્રદૂષણ વધ્યુંઃ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક્વેટિક બાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન પહેલા અને પછી ત્રણ ઓવારા ખાતેથી પાણીના નમૂના લેવાયા હતાં. જેમાં નદીનું પાણી જીવસૃષ્ટિ માટે ખતરારૂપ હોવાનું તથા ઓઇલયુકત હોવાની ગંભીર બાબતો બહાર આવી છે. સુરત શહેરમાં દર વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ વર્ષે શહેરમાં અંદાજે ૪૫ હજાર ગણેશ પ્રતિમાઓ રેકર્ડ ઉપર નોંધાઇ હતી (બિનઅધિકૃત આંકડો ૫૦ હજારથી વધી જાય છે). મતલબ કે નદીમાં વધુને વધુ પ્રતિમાઓનું વિસજન થઇ રહ્યું છે. બીજી તરફ, તાપી નદીને બચાવવા આખું વર્ષ જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાતા હોવા છતાં તેની કોઇ અસર જોવા મળતી નથી.
• રૂ. બે કરોડનું હેરોઇન પકડાયુંઃ સુરત જિલ્લાના બારડોલી ખાતેની તુલસી હોટેલના પાર્કિંગ પાસેથી અમદાવાદ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની ટીમે બારડોલી અને માંડવી તાલુકાના બે યુવાનને ઝડપી લઇને દોઢ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત આશરે રૂ. બે કરોડ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પકડાયેલા યુવાનોમાં બારડોલીના મોહન ગોર્વધન શાહ અને માંડવી તાલુકાના ઉન ગામના નીતેશ બાબરભાઈ પટેલનો સમાવેશ થાય છે.
• મુસ્લિમો નવરાત્રિના દાંડિયા બનાવે છેઃ ગરબા મેદાનમાં મુસ્લિમ યુવાનોના પ્રવેશ પર પ્રતિબંધની વાતો ભલે આ વર્ષે વિવાદમાં રહી હોય, નવાઈની વાત એ છે કે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન જેનાથી રાસ-ગરબા રમાય છે તે દાંડિયા ગોધરાના મુસ્લિમ કારીગરો જ બનાવે છે. સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગોધરાના રફિકભાઈ કહે છે કે ગોધરા શહેરના ૫૦૦થી વધુ પરિવારો ખરાદીકામ પર નભે છે. જેઓ નવરાત્રિ પર્વના આગમનના છ માસ અગાઉથી દાંડિયા બનાવવાના કામે લાગે છે. દેશભરમાં જ્યાં પણ નવરાત્રિ પર્વની ઉજવણી થાય છે, ત્યાં ગોધરાના મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાયેલા દાંડિયાથી જ ખેલૈયા ગરબે ઘૂમે છે.
• સંજય પટેલ બરખાસ્તઃ ભારતમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી સંજય પટેલ ખુદ તેમના વતન વડોદરા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)માં સેક્રેટરી પદ જાળવી શક્યા નથી. બીસીએના હોદ્દેદારોએ તેમને સેક્રેટરી પદેથી બરખાસ્ત કર્યા છે. વડોદરાની એક કોર્ટે બીસીએમાં સંજય પટેલને ફરી સામેલ કરવાની અરજી ફગાવી દીધા બાદ એસો.એ આ પગલું લીધું છે. આ નિર્ણયથી સંજય પટેલ બીસીસીઆઈની આગામી વાર્ષિક સાધારણ સભામાં બીસીએનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં. સંજય પટેલે આ અંગે કહ્યું છે કે, બીસીએના સંયુક્ત સચિવ અંશુમાન ગાયકવાડની આગેવાની હેઠળનું જૂથ તેની સામે બદલાની ભાવનાથી રાજકારણ રમી રહ્યું છે.