વડોદરામાં સતત તોફાનથી પોલીસ પરેશાન

Thursday 11th December 2014 11:01 EST
 

શહેરમાં સત્વરે શાંતિ સ્થપાય તે માટે રાજ્ય સરકારના વરિષ્ઠ પ્રધાન અને વડોદરા જિલ્લાના પ્રભારી નીતિનભાઇ પટેલ ખુદ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
માર્ગ અકસ્માતની મામૂલી ઘટના બાદ ફેસબુક પર મૂકાયેલી તસવીરના કારણે બે કોમના ટોળા વચ્ચે નવરાત્રિની શરૂઆતથી જ અથડામણ ચાલી રહી છે. તોફાની તત્વો એકલ-દોકલ લોકોને નિશાન બનાવીને હુમલો કરી રહ્યા છે. ટોળાંએ બે યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરતાં ભારે તંગદીલી વ્યાપી હતી. તોફાનીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી પથ્થરમારો કર્યા બાદ ત્રણ વાહનોને આગચાંપીને એક દુકાનમાં તોડફોડ કરી હતી. સોમવારે તો હિંસાની ઘટના વેળા તોફાની તત્વોએ દેશી રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો હતો.
નવરાત્રિના દિવસોમાં જ વડોદરામાં ચાલતા તોફાનોને કાબૂમાં લેવા પોલીસ તંત્રની નિષ્ફળ રહ્યું હોવાની લોકલાગણી પ્રવર્તે છે. ગયા શનિવારે પશ્ચિમ વિસ્તારના કેટલાક ગરબા આયોજકોએ નિયત સમય કરતાં ગરબા પણ વહેલા બંધ કરી દેવાની ફરજ પડી હતી. તોફાન વધુ વણસતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. કે. નંદા વડોદરા આવ્યા હતા. બાદમાં ગુજરાત પોલીસના વડા પી. સી. ઠાકુર પણ વડોદરા દોડી આવ્યા હતા.


comments powered by Disqus