પ્રવાસીઓની આ સમસ્યા દૂર કરવા માટે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા એક નિર્દેશ જારી થયો છે. જે અંતર્ગત હવે બે કલાકથી વધારે વિલંબ થયો હોય તે પરિસ્થિતિમાં મુસાફરોને ટર્મિનલમાં બેસવા દેવાશે.
ગયા વર્ષે શિયાળા દરમિયાન મુસાફરો પાસેથી છાશવારે એવી ફરિયાદો મળી હતી કે ધુમ્મસને કારણે વિલંબની સ્થિતિમાં તેમને કલાકોના કલાકો એરલાઇન્સ દ્વારા ફ્લાઇટમાં 'બંધક'ની જેમ બેસાડી રખાયા હતા. કેટલાક કિસ્સામાં તો મુસાફરોને છ કલાકથી વધુ ફ્લાઇટમાં જ બેસી રહેવું પડયું હતું. આ ફરિયાદ બાદ ડીજીસીએ દ્વારા આ વખતે નક્કર પગલા લેવાયા છે.
ડીજીસીએ દ્વારા જારી પરિપત્રમાં જણાવાયું છે કે ધુમ્મસ કે અન્ય કોઇ કારણસર લો વિઝિબિલિટિ હોય અને ફ્લાઇટના ઉપડવા અંગે સમયની અનિશ્ચિતતા સર્જાય તે સ્થિતિમાં એરલાઇન્સે તાકીદના ધોરણે એરપોર્ટ ઓપરેટર - સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને મુસાફરોને ટર્મિનલમાં બેસવા માટેની મંજૂરી આપવી પડશે. ફ્લાઇટ ઉપડે નહીં ત્યાં સુધી મુસાફરો માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત સમયાંતરે ફ્લાઇટ ક્યારે ઉપડી શકે છે તેની સ્થિતિની જાણ કરતા રહેવું જરૂરી બનાવાયું છે.