અન્ય મહાનુભાવોમાં ગુજરાત લો સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી સુધીર નાણાવટી, ટેક્સ કન્સલ્ન્ટન્ટ મુકેશ પટેલ, વડોદરાની નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન, અમીત ભટનાગર, શૂટર લજ્જા ગોસ્વામી અને લોકસંગીત કલાકાર ભીખુદાન ગઢવીનો સમાવેશ થાય છે.
• સિતાંશુ યશશ્ચંદ્ર, સુમન શાહને સાહિત્ય ગૌરવ એવોર્ડઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના વિકાસ અને ઉત્કર્ષમાં સર્જન, વિવેચન કે સંશોધન દ્વારા ઉત્તમ પ્રદાન કરવા બદલ દર વર્ષે અપાતા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ ૨૦૧૩ માટે કવિ સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાને તથા ૨૦૧૪ માટે સર્જક-વિવેચક સુમન શાહને એનાયત થશે. પુરસ્કારમાં ૧ લાખ રોકડા, શાલ અને સન્માનપત્ર અપાશે.
• પાંડિયન નવા મુખ્ય સચિવ, નંદા કપાયાઃ ગાંધીનગરઃ વર્તમાન આઈએએસ અધિકારીઓમાં સિનિયોરિટીમાં પ્રથમ ક્રમે રહેલા ડો. એસ. કે. નંદાને સુપરસીડ કરી રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડી. જે. પાંડિયનને રાજ્યના મુખ્ય સચિવ બનાવ્યા છે. જ્યારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ નંદાને સચિવાલયમાં સિનિયર અધિકારીએ પોતાનાથી જુનિયરને રિપોર્ટ કરવો પડે તે સ્થિતિ નિવારવા તેમને સચિવાલયથી દૂર રાજ્ય સરકારના જાહેર સાહસ વડોદરા ખાતે જીએસએફસીના સીએમડી બનાવવામાં આવ્યા છે.
• આઇએએસ અધિકારી હસમુખ અઢિયાની કેન્દ્ર સરકારમાં નિમણૂકઃ રાજ્યના નાણાં વિભાગમાં અધિક મુખ્ય સચિવની ફરજ બજાવી રહેલા અને ૧૯૮૧ની બેચના આઈએએસ અધિકારી હસમુખ અઢિયાની કેન્દ્રના નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગમાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય આઇએએસ અધિકારી પ્રદીપ કુમાર પૂજારીની કેન્દ્રના કૃષિ મંત્રાલયમાં અને રીટા તેવટીયાની પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે નિમણૂક થઇ છે.