મુખ્ય પ્રધાને ૩૧ ઓક્ટોબરે સરદાર સાહેબના ૧૪૦મા જન્મદિને કરમસદમાં આ પનોતા પુત્રની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અંજલિ અર્પણ કરી હતી અને સરદાર સાહેબે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે શાળાનાં નવીનીકરણ પામેલા સંકુલનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રાથમિક શાળાનું રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે નવસંસ્કરણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં સરદાર સાહેબના જીવન-કવનનું પ્રદર્શન અને આઝાદી સંગ્રામના વીરોની તસ્વીરો, વાંચનાલય અને સેવાલક્ષી મહિલા પ્રવૃતિઓનું કેન્દ્ર તથા આંગણવાડીના બાળકો માટેનું સંસ્કાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.
આનંદીબહેન પટેલે ભૂતકાળમાં સરદાર સાહેબની જન્મજ્યંતિને ભુલાવી દેવાના જે પ્રયાસો તત્કાલિન કેન્દ્ર સરકારો દ્વારા થયા તેની આલોચના કરતાં કહ્યું કે રાષ્ટ્રભાવ અને દેશદાઝને પ્રાધાન્ય આપતી વર્તમાન કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન સંભાળતા જ સરદાર સાહેબ જેવા મહામાનવની અસ્મિતા ઉજાગર કરવા તેમના જન્મદિનને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાનું સ્તુત્ય કદમ ઉઠાવ્યું છે.

