કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના એક પ્રાથમિક અંદાજ અનુસાર જિલ્લાના ઉદ્યોગોને રૂ. ૧૨૦૦ કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત કંડલા, મુંદ્રા બંદરે ધીમી કામગીરી, જખૌ બંદરે રોજ એકત્ર થતી લાખો કિલો માછલીઓની કામગીરી બંધ રહી હતી, જેને લીધે પણ વ્યાપક નુકસાન થયું છે. વળી ખેતીવાડી તેમજ વાવાઝોડાનાં ભયનાં કારણે દિવાળી વેકેશનની સીઝનમાં પ્રવાસીઓનાં ધસારા વચ્ચે પ્રવાસ રદ્દ કરાતાં કચ્છ જિલ્લાને ૧૦૦ કરોડનો વધુ ફટકો લાગતાં અંદાજિત રૂ. ૧૩ અબજનું આર્થિક નુકસાન થયું છે. દરમિયાન કચ્છ જિલ્લાના કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તંત્રની કામગીરી આપત્તિ સમયે સરાહનીય રહી હતી. વાવાઝોડાના પગલે પ્રજાને એ અહેસાસ કરાવ્યો હતો કે સરકાર તેમજ તંત્ર તેમની પડખે છે. સંસ્થાઓ અને આગેવાનોનો સહકાર પણ મળ્યો હતો.
