• રાજકોટમાં સર્જાયેલું સૂત્ર દેશમાં ચમક્યુંઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે ૨ ઓક્ટોબરે ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત’નું મહાન અભિયાન શરૂ થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધી ‘રાજઘાટ’ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં મોદીએ સ્વચ્છતા મહાઅભિયાન અંગે પ્રવચન કરતી વખતે રાજકોટને યાદ કર્યું હતું. સ્વચ્છતા અભિયાનમાં ‘કદમ સ્વચ્છતા કી ઔર..’ સૂત્ર રાજકોટથી ભાગ્યશ્રી શેઠે બનાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. સ્વચ્છતા અભિયાનમાં ૫૧૬૮ ટેગલાઈનની એન્ટ્રી થઈ હતી. તેમાં રાજકોટની ભાગ્યશ્રી શેઠની ટેગલાઈન ‘કદમ સ્વચ્છતા કી ઔર’ની પસંદગી થઇ હતી. આથી તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ. ૨૫ હજારનો ચેક આપી પ્રોત્સાહિત કરાયા હતા.
• ગાંધીજીની હયાતીમાં સ્થપાયેલી પ્રતિમાની ઉપેક્ષાઃ આઝાદી પૂર્વે વલસાડના મગોદ ગામમાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મંદિર ફળિયામાં વ્હાઈટ સ્ટોનમાંથી બનાવાયેલી ગાંધીજીની પ્રતિમાની ૧૯૪૫માં સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ સમયાંતરે આ પ્રતિમાની જાળવણી ન થતા હાલમાં રાષ્ટ્રપિતાની મૂર્તિ ખંડીત હાલતમાં દાયકાઓથી જોવા મળે છે. વર્ષ ૧૯૪૭માં દેશને આઝાદી મળ્યા બાદ ૧૯૫૧માં આ પ્રતિમા પાસે ગાંધી સ્મૃતિ સ્મારકરૂપે એક મકાન બનાવવામાં આવ્યું હતું. જેમાં રક્તપિત્તથી પીડાતા ગ્રામજનોને સતત ૨૦ વર્ષ સુધી સારવાર મળી હતી. બાદમાં ગામ રક્તપિત્ત મુક્ત થતાં દવાખાનું પણ બંધ થઈ ગયું હતું.