આ જાતના ભારતમાંથી થઈ રહેલા પ્રયત્નોમાં ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય અને હાલના ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમભાઈ રૂપાલાએ કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખ્યો હતો. સૌ પ્રથમ જ્યારે ભારતના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખ એક મહિના પહેલાં પુરુષોત્તમભાઈ રૂપાલાને મળ્યા હતા ત્યારે તેમણે તુર્ત જ આ કેમ્પેઈનમાં જોડાવવાનું સહર્ષ સ્વીકાર્યું હતું. આ કેમ્પેઈનમાં રૂપાલા લંડનની મુલાકાતે આવવાના છે ત્યારે ભુપતભાઈ પારેખ તેમને શુક્રવારે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને લંડન ખાતે ચાલી રહેલી કેમ્પેઈનની વિગતો આપી હતી. રૂપાલાએ આનંદ અને હર્ષ વ્યક્ત કર્યો હતો કે, લંડન ખાતે યુ.કે.ના આ કમિટીના કો-ઓર્ડિનેટર સી.બી. પટેલ આ જાતની કેમ્પેઈન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, હું લંડનની મુલાકાતે જવું છું. ત્યારે સી.બી. પટેલને મળીને લંડનમાં ચાલતી ડાયરેક્ટ ફ્લાઈટની વિગતો મેળવીને ભારત આવીને કેન્દ્ર સરકાર સમક્ષ અને તેના નાગરિક ઊડ્ડયન મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશ. ભુપતભાઈ પારેખ સાથેની બેઠકમાં રૂપાલાએ પોતે તા. ૩૦-૧૧-૨૦૧૪ના રોજ કેન્દ્રના નાગરિક ઊડ્ડયન વિભાગના મંત્રીને લખેલો પત્ર આપ્યો હતો. જેમાં તેમણે આવી એર ઈન્ડિયાની ફ્લાઈટ તુર્ત જ ચાલુ કરવા લેખિત જણાવ્યું હતું. આ વાતચીત દરમિયાન તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે તેમણે અગાઉ કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે પણ કેન્દ્રના એ વખતના મંત્રીને આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટે રૂબરૂ મળીને જણાવ્યું હતું તેની ચર્ચા કરી હતી.
રૂપાલાએ જણાવ્યું હતું કે, લંડનમાં અને ભારતમાં આવી ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટની રચના કરવામાં આવી છે. આથી આ કમિટી દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત હવે પછી પણ તેઓ પોતે ભારતમાં આ કેમ્પેઈનમાં જોડાઈને આવી ફ્લાઈટ તાત્કાલિક ચાલુ થાય તેના પૂરતાં પ્રયત્નો કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, લંડનમાં સી.બી. પટેલને મળીને લંડનથી જે પ્રયત્નો ચાલી રહ્યા છે તેની માહિતી મેળવી વધુ અસરકારક અને પૂરા જોશથી આવી કેમ્પેઈન ચલાવવામાં પોતે પોતાનો સાથ અને સહકાર આપશે.