અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સોમવારે વહેલી સવારે ચાર વાગે અમદાવાદથી મુંબઈ થઈને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ ૧૩૧ને અચાનક ડીલે કરવામાં આવી હતી. જેથી લંડનના પ૯ અને મુંબઈના ૯૧ મુસાફરો અટવાયા હતા. એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા સતત સાડા ચાર કલાક સુધી ફ્લાઈટ લેઈટ ઉપડશે તેમ મુસાફરોને કહેવાયું હતું. પછી સવારે દસ વાગ્યે એર ઈન્ડિયા દ્વારા જણાવાયું કે આ ફ્લાઇટને રદ્ કરવામાં આવી છે. એર ઈન્ડિયાની આ જાહેરાતના કારણે મુસાફરોની પરેશાનીમાં વધારો થયો હતો. કેટલાક ડોમેસ્ટિક પ્રવાસીઓએ ટિકિટ રદ્ કરી રિફન્ડ મેળવી લીધું હતું. આમ, એર ઇન્ડિયાની ગેરવ્યવસ્થાને કારણે ૧૫૯ પ્રવાસીઓ ઠંડીમાં રઝળી પડ્યા હતા. પ્રવાસીઓ અને એર ઇન્ડિયાના સત્તાધિશો વચ્ચે આ મુદ્દે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.
આ અંગે એર ઈન્ડિયાના સૂત્રોનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે આ ફ્લાઈટના કેપ્ટન (પાઈલોટ)ના ડ્યૂટી અવર્સ પૂરા થયા હતા. જેથી આ ફ્લાઈટને કેન્સલ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં મુસાફરોને એરપોર્ટ તેમ જ હોટલમાં ઉતારો અપાયો હતો.
મુંબઈના મુસાફરોને રાત્રે સવા નવ વાગે મુંબઈની ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે લંડનના પ૯ મુસાફરોને મંગળવારે વહેલી સવારે ચાર વાગે અમદાવાદથી મુંબઈ થઈ લંડન જતી ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા હતા.
કેવા છે ધાંધિયા?
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિયમ મુજબ પાઇલટના ફલાઇંગ ડયૂટી અવર્સ આઠ કલાકના હોય છે અને બે કલાક ડિસ્ક્રિપ્શનરી ફેસિલિટી અપાય છે. ત્યારબાદ પાઇલટ ફલાઇટ ઉડાવી શકે નહીં. આ વિમાન મુંબઇ થઇને અમદાવાદ આવ્યુ હતું. તો પાઇલટના ફલાઇંગ ડયૂટી અવર્સ કેવી રીતે પૂર્ણ થાય?