અમદાવાદ-લંડન-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવા માટેની ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ભારતના કો-ઓર્ડિનેટર ભુપતભાઈ પારેખે ગુજરાતના આ બંને મંત્રીઓ સમક્ષ ડાયરેક્ટ ફ્લાઈટ બાબતમાં ચાલી રહેલી ઝુંબેશ સંબંધમાં વાતચીત કરી હતી.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું યુ.કે.ના ગુજરાતીઓની પરિસ્થિતિથી જાણકાર છું. આ કમિટીના યુ.કે.ના કો-ઓર્ડિનેટર સી.બી. પટેલ દ્વારા ડાયરેક્ટ ફ્લાઈટ માટે જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તેની મને માહિતી મળતી રહે છે. સી.બી. પટેલ હંમેશા યુ.કે.માંના ગુજરાતીઓના હિત માટે અવારનવાર ઝુંબેશ ચલાવે છે. અને આ ઝુંબેશમાં તેમને સફળતા મળે છે. મારી લંડનની મુલાકાત દરમિયાન સી.બી. પટેલે લંડનમાંનાં આગેવાન ગુજરાતીઓની મિટિંગ બોલાવી હતી અને આ મિટિંગમાં મેં ગુજરાતના વિકાસ સંબંધી વિસ્તૃત વાતચીતો કરી હતી. હું સી.બી. પટેલ દ્વારા યુ.કે.માં ડાયરેક્ટ ફ્લાઈટ માટે જે ઝુંબેશ ચલાવે છે તેનાથી માહિતગાર છું અને યુ.કે.માંના ગુજરાતીઓનો પ્રશ્ન પણ જાણું છું. મેં કેન્દ્રના નાગરિક ઊડ્ડયન મંત્રીને પત્ર લખીને આવી ફ્લાઈટ તાત્કાલિક ચાલુ કરવા જણાવ્યું છે. આ ઝુંબેશમાં મારો પૂરેપૂરો સાથ-સહકાર રહેશે.
ગુજરાતના નાગરિક ઊડ્ડયન મંત્રી સૌરભભાઈ પટેલે ભુપતભાઈ પારેખ સાથેની વાતચીત દરમિયાન એવો વિશ્વાસ દર્શાવ્યો હતો કે, આવી ફ્લાઈટ ચોક્કસ ચાલુ થશે. ભુપતભાઈ પારેખે લંડનમાં ઓલ પાર્ટી કમિટીના યુ.કે.ના કો-ઓર્ડિનેટર સી.બી. પટેલ દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશની માહિતી આપી હતી. આથી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મેં દિલ્હીમાં આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ કરવાની રજૂઆત કરી હતી. મેં આ બાબતનો પત્ર પણ લખ્યો છે. તેમણે આ પત્ર ભુપતભાઈ પારેખને બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અહીં ગાંધીનગર ખાતે એરઈન્ડિયાના અને એરપોર્ટના અધિકારીઓ સાથેની વાતચીતમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આવી ડાયરેક્ટ ફ્લાઈટ ચાલુ થશે. તેમણે કહ્યું હતું કે, આવી ફ્લાઈટ ચાલુ કરવા માટે જે ઝુંબેશ યુ.કે.માં અને ગુજરાતમાં ચાલે છે તેને મારો સંપૂર્ણ સાથ-સહકાર છે.
ગુજરાતના નાગરિક ઊડ્ડયન મંત્રી તરીકે મેં ડાયરેક્ટ ફ્લાઈટ ઉપરાંત ગુજરાતના જુદા જુદા શહેરો માટે વિમાની સેવા શરૂ કરવા અને ગુજરાતના શહેરો સાથે જોડાયેલ કેટલીક લાંબી રૂટની સેવાઓ શરૂ કરવાની રજૂઆત કેન્દ્ર સરકારના અધિકારીઓ સમક્ષ કરી છે.