વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો.ની ચૂંટણીઃ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારોબારી સભ્યોની પાંચ ખાલી પડેલી બેઠક માટે ૧૮ ડિસેમ્બરે ચૂંટણી યોજાતા વિઠ્ઠલ ઉદ્યોગનગરનું રાજકારણ ગરમાયું છે. હર્ષદભાઈ મહેતા (એપ્લાયન્સીસ ઈલેક્ટ્રીકલ્સ પ્રા. લી.)ના નેતૃત્વ તેમની પેનલમાં એચ.આર. પટેલ (મેઘા એન્જિનિયરિંગ), કાંતિભાઈ ભૂવા (ડીમ્પલ પોલીમર્સ), પ્રવિણ સેરસીયા (યુનિક ફોર્જીંગ પ્રા. લી) અને રાજુભાઈ પટેલ (વેરાગોન પેઈન્ટ્સ) ઉમેદવારી પત્રો ભર્યા હતા.
પીપલગ પાસે સિક્સ લેન હાઈવેનો ગ્રામજનો દ્વારા વિરોધઃ ખેડા જિલ્લાના પીપલગ ગામ નજીક નેશનલ હાઈવે નં-૮ને સિક્સ લેન કરવાની કામગીરી શરૂ થઇ છે. પરંતુ સિક્સ લેનને કારણે હાઈવે પરથી આવન-જાવનમાં ભારે તકલીફ પડતી હોવાથી ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કરીને ગામમાં જવા અન્ડર બ્રિજ બનાવવાની માગણી કરીને હાઈવે પરની કામગીરી અટકાવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગામમાં રહેતા ખેડૂતોની જમીન હાઈવેની સામે બાજુ છે. જેથી ખેડૂતો અને તેમના પરિવારને રોજ હાઈવે ક્રોસ કરીને પોતાનાં ખેતરોમાં જવું પડે છે. જેથી તેમને ભારે હાલાકીને સામનો કરવો પડે છે. ગ્રામજનોએ આ અંગે અનેક વખત રાજય સરકાર સમક્ષ રજૂઆત કરીને હાઈવે ક્રોસ કરીને સામે જવાની જગ્યાએ અન્ડરબ્રિજ બનાવવા માટે માગણી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકાર પગલાં લેવામાં આવ્યાં ન હતાં.