આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના ગામડા સુધી નર્મદાનું પાણી પહોંચે તે માટે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અને પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ અથાગ મહેનત કરી રહ્યાં છે. અંદાજે ૨૮૦૦ કરોડના આ પ્રોજેક્ટનું ૯૭ ટકા જેટલુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ થશે.
આ યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઢાંકી ખાતેથી કુલ ૩ સેક્સન જેમાં રૂ. ૮૮૭.૫૨ કરોડના ખર્ચે આશરે ૧૫૦.૩૭ કિ.મીની ઢાંકીથી હડાળા (રતનપર), રૂ.૬૮૯.૮૯ કરોડના ખર્ચે આશરે ૧૨૦ કિ.મીની ઢાંકીથી ખિરાઈ (માળિયા) અને રૂ. ૯૫૮.૧૧ કરોડના ખર્ચે આશરે ૧૭૦.૭૦ કિ.મીની ઢાંકીથી નાવડા સુધીની પાઈપલાઈન નખાઈ ચૂકી છે અને હવે ઢાંકી ખાતે ત્રણેય પમ્પીંગ સ્ટેશનની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.