• કરમસદના સ્વ. નટુભાઈ પટેલ સ્મૃતિધામનું અનાવરણઃ કરમસદના કર્મપુરુષ અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. નટુભાઈ પટેલની જન્મ શતાબ્દી નિમિત્તે પુસ્તિકાનું વિમોચન, વાટિકા અને સ્મૃતિધામના અનાવરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે સંતરામ મંદિરના પૂ. મોરારજી મહારાજ, બાપેશ્વર મહાદેવ-કરમસદના જયરામગીરી મહારાજ તથા સ્વામી.મંદિર-આણંદના પૂ. ભગવતચરણ સ્વામી, આણંદના સાંસદ દિલીપ પટેલ, ધારાસભ્ય રોહિત પટેલ, ખેડા જિલ્લા બેંકના ચેરમેન ધીરુભાઈ ચાવડા અને અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર વગેર ઉપસ્થિતિ રહ્યા હતા. સ્વ. નટુભાઈએ ૧૬ વર્ષની વયે રવિશંકર મહારાજ સાથે સમાજસેવાના કાર્ય માટે જોડાયા હતા. ઉપરાંત તેમણે હરિજનોના ઉદ્ધાર માટે કાર્યો કર્યા હતા.

• ગાયિકા નિરુપમા શેઠનું મુંબઈમાં નિધનઃ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા નિરુપમાબેન શેઠનું ૫ ડિસેમ્બરે મુંબઈમાં અવસાન થયું છે. નિરુપમાબહેનના યાદગાર ગીતોમાં ‘ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના..., આ નભ ઝૂક્યું તે કાનજી... કે અમે ગોત્યું ને ક્યાંય ન જડ્યું.... સુખના સુખડ જલે રે..., ઘનશ્યામ ગગન... નો સમાવેશ થાય છે. તેઓ સ્વરકાર અજીત શેઠના પત્ની હતા. મૂળ ગોંડલના નિરુપમા શેઠે માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ ગાયિકા તરીકે પોતાની પ્રતિભાનો પરિચય આપવાનો શરૂ કરી દીધું હતું. અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકીયા, નીનુ મઝુમદાર, ભાનુભાઈ ઠાકર જેવા ખ્યાતનામ સંગીતકારો સાથે તેમણે સ્વરનો જાદૂ પાથર્યો હતો. સદગતને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિત સંગીત ક્ષેત્રના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
• સીવીએમ સંચાલિત બીબીઆઈટીના નવા ભવનનું ભૂમિપૂજનઃ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ) સંચાલિત બી એન્ડ બી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (બીબીઆઈટી)ના મિકેનિકલ અને મેકેટ્રોનિક્સના નવા ભવન માટે સીવીએમના અધ્યક્ષ ડો. સી.એલ. પટેલનાં અમેરિકાવાસી દીકરી શોભાબહેન કિરીટકુમાર પટેલે રૂ. ૫૧ લાખનું માતબર દાન આપ્યું છે. તેમણે આ ભવન સાથે પોતાના સાસુ-સસરા શારદાબહેન-રમણભાઈ પટેલનું નામ જોડવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ગત સપ્તાહે મહાનુભાવોની હાજરીમાં શોભાબહેનના હસ્તે નવા ભવનનું ભૂમિપૂજન થયું હતું.