• રૂણ, પેટલી અને દેવાવાંટા સોજીત્રા તાલુકામાં જ રહેશેઃ સોજીત્રા તાલુકાના રૂણ, દેવાવાંટા અને પેટલી ગામોને ખેડા જિલ્લાના નવરચિત વસો તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણયને રદ કરી રાજ્ય સરકારે આ ત્રણ ગામોને સોજીત્રા તાલુકામાં જ રાખવા નિર્ણય કર્યો છે. આ ગામોનો નવરચિત વસો તાલુકામાં સમાવેશ કરતાં ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો હતો. આ ત્રણ ગામના લોકોને તેમના રોજિંદા વહીવટી કામ માટે છેક વસો સુધી લાંબા થવું પડતું હતું.
• સુરત રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશેઃ એક સમયે ગંદકી અને ટ્રાફિકની અંધાધૂંધી માટે બદનામ સુરત રેલવે સ્ટેશન હવે પશ્ચિમી દેશોના અત્યાધુનિક રેલવે સ્ટેશનો જેવું રૂપ ધારણ કરશે. મહાપાલિકાએ સુરતને દેશભરમાં સૌથી આધુનિક બનાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સૂચિત પ્લાન મુજબ રેલવે સ્ટેશન કોઇ એરપોર્ટ કરતાં પણ વધુ ભવ્ય હશે. ગત સપ્તાહે રેલવે સ્ટેશન ખાતે નવી ટેકનોલોજી સાથે સુવિધાજનક બિલ્ડિંગ બનાવવા રેલવે મંત્રાલય સમક્ષ પ્રેઝન્ટેશન થયું હતું. આર્કિટેક્ટ સંજય જોશી દ્વારા તૈયાર કરાયેલું આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ મંત્રાલયે ‘ફાસ્ટ ટ્રેક’ પ્રોજેક્ટ તરીકે આગળ વધવા આ દિશામાં પાલિકાને મંજૂરી આપી છે. કામગીરી શરૂ થયા પછી ચાર વર્ષમાં જ અંદાજે રૂ. ત્રણ હજાર કરોડના ખર્ચે સુરત સ્ટેશનનું આખું સ્વરૂપ બદલાઇ જશે એવો વિશ્વાસ પાલિકાના સત્તાધિશો એ વ્યક્ત કર્યો છે. આ પ્રેઝન્ટેશનની નોંધ વડા પ્રધાન કચેરીએ પણ લીધી છે, તેમ મેયર નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું. ચાર માસથી પાલિકા દ્વારા થયેલી મહેનતને અંતે લોકભાગીદારીના ધોરણે દેશમાં વિકસનારા રેલવે સ્ટેશનોમાં શરૂઆત સુરતથી થશે તેમ સાંસદ દર્શનાબહેન જરદોશે જણાવ્યું હતું.
• ફિલ્મ અભિનેતાનું ફૂટપાથ પર મૃત્યુઃ વડોદરાના એસ ટી સ્ટેન્ડ પાસેથી ગત સપ્તાહે એક અજાણી લાશ મળી હતી. આ લાશ બીજા કોઇની નહી, પરંતુ ૧૫૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર કલાકારની હતી ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના વતની જીવનભાઇ ગોવિંદભાઇ ઘેલાસટ (૬૫) ઉર્ફે જીવન છાયાનો આ મૃતદેહ હતો. આ મૃતદેહ પાસેની થેલીમાંથી મળેલાં તેમની દીકરી અને જમાઇના નામ-સરનામાના આધારે પોલીસે તેમને બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે સોંપ્યો હતો.
• સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપની જીતઃ આણંદ જિલ્લા સહકારી સંઘની ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણી ભારે રસાકસી ભરી રહી હતી. જેમાં વ્યક્તિગત સભાસદમાં ભાજપના સી. ડી. પટેલની પેનલ વિજય રહી હતી, જ્યારે તાલુકામાં આઠમાંથી પાંચ સભ્યો કોંગ્રેસના ચૂંટાયાં હતાં. સોજિત્રામાં રજનીકાંત જશભાઈ પટેલ અને ઉમરેઠમાં સુનીલભાઈ ભાનુભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા હતાં. જ્યારે કોંગ્રેસમાંથી અમિત ચાવડા, કાંતિભાઇ સોઢા પરમાર વગેરે વિજેતા જાહેર થયા હતા.