પાટીદારો સરદાર પટેલના મૂલ્યોનું જતન કરે

Friday 05th December 2014 08:28 EST
 
 

ધોરાજીઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રવિવારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના વારસદાર એવા પાટીદાર સમાજને સરદારના મૂલ્યોનું જતન કરવા અને સમાજની એકતા, શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. હરિદ્વાર ખાતે નિર્માણ પામનારા લેઉવા પટેલ સમાજ ભવનનો શિલાન્યાસ વિધિ મુખ્ય પ્રધાનના હસ્તે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અનેક અગ્રણીઓ તથા વિશાળ સમાજની ઉપસ્થિતિમાં થઇ હતી.

તેમણે જણાવ્યું હતું કે આઝાદી બાદ સરદાર પટેલે દેશી રજવાડાના વિલિનીકરણનું કપરું કાર્ય સુપેરે પાર પાડયું હતું. સરદાર પટેલના અવિસ્મરણીય પ્રદાનને ગુજરાત સરકારે તેમની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા નર્મદા ડેમ ખાતે બનાવવાનું અભિયાન આદર્યું છે તેમ ઉમેરી તેમણે પાટીદાર સમાજને સરદાર પટેલના વારસદાર તરીકે મૂલ્યોનું જતન કરવા આહવાન કર્યું હતું.
આ તબક્કે મુખ્ય પ્રધાને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાને વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવી સંપત્તિમાં દીકરી સમાન ગણી અધિકાર આપવા બદલ કુરિવાજો નાબૂદ કરાવનારા પથદર્શક ગણાવ્યા હતા. સમાજમાં કુરિવાજોને નાબૂદ કરવામાં નવો ચીલો ચાતરવા બદલ તેમણે વિઠ્ઠલભાઇ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજ માટે દાનની સરવાણી વહેવડાવવા અનુરોધ કરતા માત્ર બે કલાકમાં રૂ. ૩૫ કરોડનું દાન જાહેર થયું હતું, જેને આગેવાનોએ આવકાર્યું હતું.


comments powered by Disqus