મોટાફોફળિયાના ડો.કિરણ પટેલ અને તેમના ભાઇ દિનેશ પટેલ અમેરિકામાં સ્થાયી થયા છે. દિનેશ પટેલને અમેરિકાના ઉત્તાહના ગવર્નર જ્હોન હન્ટ્સમેન સાથે ઘરોબો છે. હન્ટ્સમેને ૨૦૦૫માં દિનેશ પટેલને ભારતીય દીકરી દત્તક લેવાનો વિચાર હોવાનું કહ્યું હતું. દિનેશ પટેલે આ વિચારની જાણ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી મોટા ફોફળિયા આવ્યા ત્યારે તેમને કરી હતી.
આ વાતના થોડા દિવસોમાં વર્ષ ૨૦૦૬માં કરજણ રોડની બાજુની ઝાડીમાંથી ત્યજી દેવાયેલી બાળકી પોલીસને મળી હતી. અમેરિકાના મોટા ઉદ્યોગપતિ અને રિપબ્લિકન પાર્ટીના નેતા જ્હોન હન્ટ્સમેનને અનાથ બાળકી દત્તક લેવા અંગે પૂછાવી કાર્યવાહી શરૂ કરાવી હતી. જેમાં નરેન્દ્ર મોદીની સૂચનાથી સરકારી તંત્રનો પૂરતો સહયોગ મળતો હતો. ડિસેમ્બર-૨૦૦૬માં જ્હોન હન્ટ્સમેન અને તેમનાં પત્ની મેરી કેએ નડિયાદ આવી એક વર્ષની થયેલી બાળકીનો સ્વીકાર કર્યો હતો. હાલમાં બાળકી અમેરિકામાં લાડકોડથી ઉછરી રહી છે. હન્ટ્સમેનનો પરિવાર ઉદ્યોગજગત સાથે સંકળાયેલો છે. તેમના પરિવારના હન્ટ્સમેન કોર્પોરેશન દ્વારા પાદરા પંથકમાં મોટું મૂડીરોકાણ કરી કંપની સ્થપાઈ છે. જ્હોન હન્ટ્સમેને ચીનમાંથી પણ એક બાળકી દત્તક લીધી છે.
