ગાંધીઃ ઇન્દિરા, સોનિયા, રાહુલ નહીં, ‘મહાત્મા’ ગાંધી...

વિષ્ણુ પંડ્યા Saturday 06th December 2014 06:20 EST
 

વળી પાછા ગાંધી ચર્ચામાં છે. ઓબામાથી નરેન્દ્ર મોદી, મલાલા યુસુફઝાઇથી કૈલાસ સત્યાર્થી... અને અહીં ચૂંટણી જંગમાં યે કવચિત ‘ગાંધીજીનાં સપનાંના’ ભારતની વાત તો આવે જ છે. વડા પ્રધાને ‘સ્વચ્છ ભારત’ને તેમનાં નામની સાથે જોડી દીધું એટલે કેટલાકે વાંકી ભ્રમરે કહ્યુંઃ ‘ગાંધીજીનાં નામનો ઉપયોગ કરીને મોદી ભરમાવવા માગે છે.’ મોદીની જાદુગરીનો પાર નથી. હમણાં વડોદરામાં એક વડીલ નેતા સનત મહેતાની સાથે ગપસપ થઈ ત્યારે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ પણ જવાહરલાલ નેહરુનું ગુણદર્શન અનુસરવું પડ્યું છે. હરિયાણાની સભામાં તેમણે નેહરુ-ઇન્દિરાજીના સ્મરણને રાષ્ટ્રવ્યાપી બનાવવાની વાત કરી હતી. કોંગ્રેસજનોને એમ લાગે છે કે આ તો અમારા નેતાઓને પોતાની છાવણીના બનાવવા માગે છે! પહેલાં સરદાર, પછી ગાંધીજી અને હવે જવાહરલાલ! વચ્ચે હરિપુરામાં સુભાષચંદ્ર બોઝનાં સ્મરણમાં ઈ-ગ્રામ યોજનાની જાહેરાત મોદીએ કરી હતી. સ્વામી વિવેકાનંદની તો જન્મશતાબ્દી યે વાજતેગાજતે મનાવી. સુરેન્દ્રનગરમાં, મુખ્ય પ્રધાન હતા ત્યારે, બંધારણ-યાત્રા કાઢીને આંબેડકરનું સ્મરણ કર્યું હતું.

મોદીશૈલીની લાક્ષણિકતા
મોદી-અડવાણીમાં આટલો ફરક નજરે ચડે તેવો છે. પાકિસ્તાન જઈને અડવાણી જનાબ ઝીણાની સમાધિ પર ફૂલ ચઢાવી આવ્યાં અને ઝીણાસાહેબની પ્રશંસા કરી તેને લીધે તેમના પર માછલાં ધોવાયાં હતાં. એમ તો વાજપેયીજી વિદેશ પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે પાકિસ્તાનમાં લોકપ્રિય રહ્યા હતા. અડવાણી બિચારા ફસાઈ ગયા અને પોતાના જ લોકોને નારાજ કરી દીધા. એ ઘટના પછી દિલ્હી પ્રવાસ દરમિયાન હું તેમને મળવા ગયો હતો. તેમણે પાકિસ્તાન-યાત્રાના ફોટોગ્રાફ્સનું આલ્બમ બતાવ્યું, પોતે આપેલી નોંધની ઝેરોક્સ કોપી આપી અને મને પૂછયુંઃ ‘બોલો, આમાં તમને લાગે છે કે કશું ખોટું કર્યું હતું મેં?’
મોદીની શૈલી નિરાળી છે. વાજપેયી પાકિસ્તાની પ્રજાનાં દિલના દરવાજે પહોંચી ગયા હતા. એક પાકિસ્તાની મિત્રે હમણાં મને લખ્યું છે કે વાજપેયી વધુ સમય વડા પ્રધાન રહ્યા હોત તો ભારત-પાકિસ્તાન વચ્ચેની તમામ કડવાશ અને ક્રોધ દૂર થઈ ગયાં હોત. આટલો વિશ્વાસ તો તેમણે ઇન્દિરા ગાંધીમાં યે ધરાવ્યો નહોતો!
મોદીના ગાંધી ‘સ્વચ્છ ભારત’નું ‘રોલ મોડેલ’ છે, હવે તેમાં કોંગ્રેસ કે બીજા કથિત ‘સેક્યુલર’ પક્ષો-સંગઠનો બીજું બોલીયે શું શકે? તેમણે પોતે જ ગાંધીને ગોખલામાં સ્થાપિત કરીને સત્તા ભોગવવાના અતિરેકમાં ગાંધી-વિસ્મૃતિ સ્થાપિત કરી દીધી હતી. હવે તો પક્ષમાં ખાદી પહેરવાનોયે નિયમ નથી રહ્યો! બીજી તરફ વડા પ્રધાન પોતે અને તેમના સાથીદારો હાથમાં ઝાડુ લઈને ફરતા થઈ ગયા! કોંગ્રેસની દુવિધા એ છે કે આ અભિયાનમાં ભાગ લેવો કે ના લેવો? એક એનજીઓ-શૈલીના પ્રધાન શશિ થરૂરને વડા પ્રધાને કહ્યું કે તમે ય આ અભિયાનના એમ્બેસેડર બનો. ચૂંટણી સમયે સચિન તેંડુલકરને મસમોટો ભારતરત્ન ઇલ્કાબ કોંગ્રેસે એનાયત કરી દીધો હતો, આ ક્રિકેટર પણ સફાઈ અભિયાનમાં સામેલ થઈ ગયો!
કોંગ્રેસનો અજંપોઃ જાયે તો જાયે કહાં?
કોંગ્રેસમાં સૌથી દુઃખી અને હતપ્રભ સોનિયા ગાંધી અને રાહુલ છે. મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પૂર્વ અનુમાનોમાં યે કોંગ્રેસ ‘વિકલ્પ’ કે બીજા નંબરે નથી એ આઘાત ઓછો નથી. આંતરિક વર્તુળોનું માનીએ તો સોનિયા-રાહુલને વર્તમાન કોંગ્રેસની નેતાગીરીમાં તલભારનો વિશ્વાસ રહ્યો નથી. સીધા કાર્યકર્તાઓની સમક્ષ જવું છે, પણ વચ્ચે આ દળદાર-દમદાર ‘એસ્ટાબ્લિશમેન્ટ’ની દિવાલ છે. પૃથ્વીરાજ ચૌહાણ, કપિલ સિબ્બલ, કમલ નાથ, ચિદમ્બરમ્, સિંધિયા... કોઈ કરતાં કોઈ ફરકતાં નથી. અહમદ પટેલ મહેનત કરે છે, રણનીતિ બનાવે છે, ‘રાહુલ ભૈયા’ને રિપોર્ટ આપે છે... પણ ૨૦૧૪ની કળમાંથી હજુ કોઈ જ મુક્ત થયા નથી. એક વર્ગ પ્રિયંકાને સક્રિય કરવાનો આગ્રહ રાખે છે તેને લીધે પણ ગુસ્સો છે. વચ્ચે કોઈએ અફવા ફેલાવી કે પ્રિયંકાના પુત્રને રાહુલ ગાંધી ગોદમાં લેવા માગે છે. પ્રિયંકાએ તુરત ગુસ્સામાં ખુલાસો આપી દીધો કે એવું કશું નથી.
કોંગ્રેસને માટે ‘ભરોસાપાત્ર ભાઈ’ની મોટી ખોટ છે. લાલુ પ્રસાદ યાદવ કે કરુણાનિધિ, અજિત સિંહ, મુલાયમ સિંહ યાદવ, નીતિશ કુમાર... કોઈ કામ લાગે તેમ નથી. મમતાનો મેળ પડે તેમ નથી. ‘એકલા ચલો’ એ મક્કમતાને બદલે મજબૂરી બનેલું સૂત્ર છે, તેમાં આ બે પ્રદેશોની ચૂંટણી વધુ નિર્બળ બનાવશે. એનસીપીના દિગ્ગજ શરદ પવારે મહારાષ્ટ્રથી છેડો ફાડવાની શરૂઆત કરી દીધી. તેઓ કોંગ્રેસથી છૂટા પડેલા અને બીજા પ્રાદેશિક પક્ષોને સાથે લઈને નવું તિકડમ કરવાનો ઇરાદો રાખે છે જેમાં કોંગ્રેસ ન હોય અથવા તો એવી રીતે હોય કે તેનું મહત્ત્વ જ ના રહે. ભાજપને તો ‘બિનસાંપ્રદાયિકતા’ની ઢાલ સાથે દૂર રાખવાની પરંપરા છે જ. ત્રીજી તરફ, શરદ પવાર પોતાના દૂતોને ભાજપ-છાવણીમાં મોકલીને એવી શક્યતાઓ તપાસી રહ્યા છે કે ચૂંટણી પછી મેળમિલાપના મંત્રોનો ગુંજારવ થઈ શકે તેમ છે કે નહીં? પવારને તો પોતાનો કોઈ ચીફ મિનિસ્ટર બનતો હોય તો શિવ સેનાની સાથે હાથ મેળવવામાં યે વાંધો નથી.
મુંબઈ - મહારાષ્ટ્ર - ચંદીગઢ - રાજકોટ
મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓ પણ પ્રચારાર્થે પહોંચી ગયા છે. મુંબઈમાં ગુજરાતી વસ્તીનો પ્રભાવ ઓછો નથી. પક્ષને જોયા વિના ગુજરાતી નાગરિક ગુજરાતી ઉમેદવારને પસંદ કરે તેવી ધારણા પક્ષોમાંયે છે! બીજો ડર ‘મરાઠી માણુષ’ના નામે ગુજરાત-વિરોધની હવાનોય છે. દરમિયાન રાજકોટની બેઠક પર સામસામો જંગ જામ્યો છે. આનંદીબહેને ‘કડવા-લેઉવા’ની ખબર કાઢી અને વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું કે નેવું ટકા પટેલો ભાજપને મત આપશે. વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ થયા પછી થોડાક દિવસો માટે રાજકોટમાં હતા. આ બેઠક તેમની પરંપરાના વિજયની જગ્યા છે. વિજય રૂપાણી તેને સર કરી શકશે કે કેમ, અને કેટલી સરસાઈથી તેની સૌથી વધુ ચર્ચા ક્યાં છે, જાણો છો? બુકીઓમાં!
ગાંધીની પ્રિય મહિલાઓ?
હમણાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું છે ‘Brahmcharya, Gandhi and His Women Associates’ ગિરિજા કુમારના આ પુસ્તકનું મહત્ત્વ એ છે કે તમામ દસ્તાવેજોના આધારે તેમણે ગાંધીજીનાં જીવનમાં આવેલી એક ડઝન મહિલાઓ, તેમની સાથેના ‘પ્રયોગો’ અને તેની ફિલસુફીનું વર્ણન છે. લંડનમાં ગાંધી-પ્રતિમા હોવી જોઈએ કે નહીં અને ક્યાં હોવી જોઈએ તે વિવાદની આડકથા એ પણ છે કે કેટલાકના મતે ગાંધી મહિલા-વિરોધી મુખત્યાર પુરુષ હતા.
અમેરિકાસ્થિત ભારતીય મહિલા અનુરુપા સિનારે તો નેટ પર તેના બ્લોગ્સની આખી લેખમાળા કરી. કુસુમ વડગામાનો લંડનમાં પ્રકાશિત લેખ હજુ વાંચવા મળ્યો નથી. પણ, આ ગિરિજા કુમારનાં તદ્દન પૂર્વગ્રહ વિનાનાં પુસ્તકની વિગતો ભારે રસપ્રદ છે. ગાંધીના મૂલ્યાંકનમાં કામ આવે તેવી છે. ‘ગુજરાત સમાચાર’ના પ્રિય વાચકો સમક્ષ એક-બે હપ્તામાં તે પ્રસ્તુત કરવાનું વિચારું છું.


comments powered by Disqus