ચક્રવાતે સૌથી વધુ નુકસાન વિશાખાપટ્ટનમ કર્યું હતું તો પાડોશી રાજ્ય ઓડિશામાં પણ સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમમાં ૭૦થી ૮૦ ટકા નુકસાન થયું છે, ઘણાં લોકોએ પોતાનાં ઘર ગુમાવ્યા છે તેથી રાહત કેન્દ્રો ચાલુ જ રાખવાં પડશે. વિનાશને પગલે શહેરમાં જીવનજરૂરી ચીજોની તીવ્ર અછત સર્જાતાં નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાયાં હતાં. અસરગ્રસ્ત વિસ્તારોમાં સેંકડો વૃક્ષ અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં વાહનવ્યવ્યહાર અને વીજપુરવઠો ખોરવાયો છે. વીજપુરવઠો અને સંચારવ્યવસ્થા તદ્દન ઠપ થઇ ગઇ હતી.
મોદી વિશાખાપટ્ટનમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશાખાપટ્ટનમ અને આંધ્રના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની સમીક્ષા કરવા મંગળવારે અહીંં આવ્યા હતા. મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે રૂ. ૫૦ હજારની મદદની જાહેરાત કરી છે. સાથે જ આંધ્રપ્રદેશને રૂ. ૧૦૦૦ કરોડની મદદની જાહેરાત કરી છે. વડા પ્રધાને કહ્યું કે વિશાખાપટ્ટનમને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાને ઝડપથી પૂર્ણ કરાશે. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જલ્દીથી એક સર્વે કરાવશે જેના આધાર પર અસરગ્રસ્ત વિસ્તારોની વધારે મદદ કરાશે.