કર્ણાટકના મેંગલોર શહેરમાં રહેતા ચાર્લ્સ માઈકલ ડિ’સોઝાની ગણના વિશ્વના સૌથી વયોવૃદ્ધ ટેક્સી ડ્રાઈવરમાં થાય છે. તેઓ ૧૦૦ વર્ષની ઉંમરે પણ ડ્રાઇવીંગ કરીને ગુજરાન ચલાવે છે. ૧૬મી ઓક્ટોબરે, ગુરુવારના રોજ આયુષ્યના ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરનારા ડિ’સોઝા તન-મનથી ચુસ્તદુરુસ્ત છે. જે ઉંમરે મોટા ભાગના વડીલો પથારીમાં જાતે પડખું પણ માંડ ફરી શકતા હોય છે તે ઉંમરે ડિ’સોઝા ચુસ્તી-સ્ફૂર્તિથી ડ્રાઇવિંગ કરી જાણે છે. તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ વર્ષ ૨૦૧૯ સુધીની માન્યતા ધરાવે છે.
આજે પણ ડિ’સોઝા પરોઢિયે ચાર વાગ્યે ઉઠી જઇને ઘરના બધા જ કામકાજ કરે છે. તેઓ પોતાના માટે રસોઈ બનાવે છે, પોતાના કપડાં જાતે ધુએ છે અને પછી તૈયાર થઇને મેંગલોરના બે ઉચ્ચ બેન્ક અધિકારીઓની સેવામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવવા કાર લઈને નીકળી પડે છે. જોકે, તેમની સ્ફૂર્તિ જોઈને કોઈને અંદાજ પણ નથી આવતો કે તેમનો જન્મ ૧૦૦ વર્ષ પહેલાં થયો છે.
સરકારી રેકોર્ડ અનુસાર, ડિ’સોઝાનો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૧૪ના રોજ તમિલનાડુના ઉટીમાં થયો હતો. એ વર્ષે જ પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. ડિ’સોઝા દ્વિતીય વિશ્વયુદ્ધના પણ સાક્ષી છે, જેમાં તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મી વતી લડયા હતા.
ડિ’સોઝાના પિતાનું નામ ચાર્લ્સન અને માતાનું નામ મેરી હતું. તેમનો દાવો છે કે, તેમના પૂર્વજો ગ્રીક હતા અને બેથલેહામથી ભારત આવીને વસ્યા હતા. તેમનું જન્મ પ્રમાણપત્ર પણ ઉટીના સેન્ટ મેરી ચર્ચમાંથી ઈસ્યૂ થયેલંુ છે.
ડિ’સોઝાના માતા-પિતાને ૧૩ સંતાનો હતા અને ચાર્લ્સ ડિ’સોઝા તેમનું ૧૦મું સંતાન હતા. જોકે, આ તમામ સંતાનોમાંથી હાલ ફક્ત ચાર્લ્સ જ જીવિત છે.
તેમણે ૧૮ વર્ષની વયે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાઈને આસામ, આંધ્ર પ્રદેશ અને કાશ્મીરમાં સેવા આપી હતી. વર્ષ ૧૯૪૨માં તેમણે આર્મીમાંથી રાજીનામું આપીને ફૂલટાઈમ ડ્રાઈવર તરીકેનો વ્યવસાય અપનાવ્યો હતો.
વર્ષ ૧૯૫૨માં મદ્રાસ સ્ટેટ ગવર્ન્મેન્ટે તેમને ડીઝલ કોંક્રિટ મિક્સર મશીનના ડ્રાઈવર તરીકે મેંગલોર મોકલ્યા હતા. વર્ષ ૧૯૫૬માં મેંગલોર કર્ણાટકનો હિસ્સો બન્યું એ પછી તેઓ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી)માં ડ્રાઈવર તરીકે જોડાયા હતા. અહીં વર્ષ ૧૯૮૨ સુધી કામ કરીને તેઓ નિવૃત્ત થઈ ગયા હતા અને પછી મેંગલોરમાં જ પ્રાઈવેટ ડ્રાઈવર તરીકે કાર્યરત છે.