કર્મભૂમિ સુરત હોય કે પછી વતન, તેમણે હંમેશા દાનની સરવાણી વહેતી કરી છે. તેઓ બે હાથે આપે છે તો સામે કુદરત હજાર હાથે તેમને પાછું આપે છે. આ શબ્દો જાણીતા મોરારિબાપુએ ગત સપ્તાહે અમરેલી જિલ્લાના લાઠી ગામે એસઆરકે પરિવાર દ્વારા રૂ. ચાર કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી આધુનિક હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યા હતા.
ગોવિંદભાઈએ આ પ્રસંગે લાઠી ગામના ૫૦ બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. લાઠીનાં ૫૦ યુવક-યુવતીઓ જ્યાં સુધી ભણે તેનો શિક્ષણનો તમામ ખર્ચ ગોવિંદભાઈ ઉઠાવશે. આ ઉપરાંત ગોવિંદભાઈએ વિવિધ યોજના માટે રૂ. બે કરોડના દાનની જાહેરાત કરી હતી.
સુરતના હીરાના અગ્રણી વેપારી અને શ્રી રામક્રિષ્ણા એક્સપોર્ટ્સ (એસઆરકે)ના ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયાએ લાઠીમાં સંતોકબા મેડિકલ સેન્ટરની સ્થાપના કરી છે. જેમાં લાઠી ગામ અને આજુબાજુના ગામના લોકોને રાહત દરે સારવાર મળશે. આ હોસ્પિટલનું મોરારિબાપુએ ઉદ્ઘાટન
કર્યું હતું.
સુરતમાં ફેબ્રુઆરી-૨૦૧૫માં યોજાનારી પૂ. મોરારિબાપુની કથાનું મંગળાચરણ પણ આ પ્રસંગે હાથ ધરાયું હતું.
ગોવિંદભાઈએ લાઠીની વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે રૂ. ૫૦ લાખ, દુધાળા ગામની વિધવા અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે રૂપિયા ૫૦ લાખ, લાઠીનાં ૫૦ બાળકોનો શિક્ષણનો તમામ ખર્ચ અને લાઠીની ૫૦ કન્યાઓ
માટે રૂ. ૫૦ લાખનું દાન જાહેર કર્યું હતું.