આ નિવેદનને વિશ્વ ગુજરાતી સમાજે વખોડ્યું છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન, મુલાયમસિંહે કહ્યું હતું, મોદીએ ‘સર્વાંગી વિકાસ’ની વાત કરી હતી, પરંતુ એમ થયું નથી. ગુજરાતના લોકોને જૂઠું બોલવાની આદત છે.’ મુલાયમે ઉમેર્યું હતું કે, જે લોકો વચન આપીને તેનું પાલન ન કરે, તે લોકો તેમની નજરમાં ભ્રષ્ટ છે.
ગુજરાતીઓ વિશેના આ નિવેદનને વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયાએ વખોડતાં કહ્યું છે કે, મહાત્મા ગાંધી ગુજરાતી હતા અને સત્યના પૂજારી તરીકે વિશ્વભરમાં જાણીતા છે. ગુજરાતીઓએ વેપાર-ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં નામના મેળવી છે. યાદવે સમજી લેવું જોઇએ કે, ગુજરાતમાં વસતાં છ કરોડ ગુજરાતીઓ અને ગુજરાત બહાર વસતાં એક કરોડ ગુજરાતીઓ તેમના નિવેદન બદલ જડબાતોડ જવાબ આપશે. ગુજરાતીઓ આ પ્રકારના અપમાનનો બદલો લેશે.
