અમદાવાદ-ગાંધીનગર પંથક સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, ગારીયાધાર, વલભીપુર, સિહોર, ઉમરાળા, ગઢડા બોટાદ, જેતપુર, ગોંડલ, અમરેલી, ધારી, બગસરા, જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના વ્યારા ઉચ્છલ, મહુવા તથા વલસાડ જિલ્લાના પારડી, વાપી અને કેન્દ્ર શાસિત દમણ-સેલવાસમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદથી સામાન્ય જનજીવન પર ભારે અસર પડી હતી. સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ પડતાં સૌથી વધુ કપાસના પાકને નુકસાન થયુ છે. મગફળીના પાથરા પલળી જતાં પશુની નિરણ અને ગુણવત્તા બગડી છે. કપાસના છોડ ઢળી પડતાં અને ફુલ-ફાલ ખરી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. રવિ પાકના વાવેતરના જીરૂ, ધાણા સહિતના કુમળા છોડ વરસાદથી જમીન સાથે ચોંટી જતાં વાવેતરને પણ માઠી અસર પડી છે.
• સાધ્વીમાંથી યુવતી ફરી સંસારી બનીઃ સુરતના એક ઉપાશ્રયમાં દાદીગુરુના માનસિક ત્રાસથી કંટાળીને મહેસાણાના સાધ્વીએ સંયમી જીવનનો ત્યાગ કર્યો છે. બાળપણમાં જૂડોમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ મેળવનાર મહેસાણા વકીલ મહેશભાઈ મહેતાની ૨૧ વર્ષીય પુત્રી ખુશ્બુએ આઠ વર્ષની સાધનાના અંતે ગત ૨ માર્ચ ૨૦૧૪ના રોજ દીક્ષા ગ્રહણ કરી હતી. પિતાના ઘરે પરત ફરેલા સાધ્વીજી જિનાગ કૃપા (ખુશ્બુ)એ કહ્યું હતું કે દીક્ષા બાદ દાદીગુરુએ આપેલા અસહ્ય માનસિક ત્રાસને કારણે હું સંયમી જીવન છોડવા મજબૂર બની છું, જેમને મને દીક્ષા અપાવી તેમને જ મારા સાધ્વીના કપડા ઉતરાવ્યા. આજે હું નથી સંસારી કે નથી સંયમી... સંયમી માર્ગે જતી યુવતીઓ મારા જેવી સ્થિતિમાં ન મુકાય તે માટે હું લડીશ અને જરૂર પડશે તો કોર્ટમાં જઇશ.
• બહુચરાજીમાં વાળની આવક રૂ. ૫ લાખઃ મહેસાણા જિલ્લાના તીર્થધામ બહુચરાજીમાં દક્ષિણ ભારતના તિરૂપતિ બાલાજી મંદિરની જેમ વાળ ઉતારવાની પરંપરા સદીઓથી ચાલે છે. આ પરંપરા સ્થાનિક ટ્રસ્ટ માટે આવકનો નવો સ્ત્રોત બની છે. દર વર્ષે વાળના વેચાણ પેટે સરેરાશ રૂ. ૫ લાખની આવક થાય છે. ટેમ્પલ ટ્રસ્ટના આંકડા મુજબ, છેલ્લા છ વર્ષમાં ટ્રસ્ટને અંદાજે પોણા કરોડ રૂપિયાની આવક થઈ છે. ભારતમાં એકાવન શક્તિપીઠોમાં જેની ગણના થાય છે તેવા બહુચરાજીમાં બહુચર માતાજીના ચરણોમાં માત્ર બાળકોના જ વાળ ચડાવાય છે. બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર એચ. એસ. પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે ૧૨થી ૧૩ જાર બાળકોની ચૌલવિધિ અહીં થાય છે.
• નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારનો હાથ નથીઃ ગુજરાતમાં થયેલાં નકલી અન્કાઉન્ટરો મામલે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનેલી નિવૃત્ત જસ્ટિસ એચ. એસ. બેદીની અધ્યક્ષતાવાળી કમિટીને રાજ્યમાં થયેલાં એન્કાઉન્ટરોમાં મૃત્યુ પામેલાઓના ૨૨ કેસોમાં રાજ્ય સરકારનો હાથ હોવાની એક પણ સાબિતી મળી નથી, જેથી આ કમિટી એવો રિપોર્ટ સોંપી શકે છે કે અલ્પસંખ્યક સમુદાયનાં લોકોને આતંકવાદી માનીને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય, એવી કોઈ પેટર્ન સામે નથી આવી.
• બોર્ડ-નિગમ-સત્તામંડળમાં ૬૭ની નિમણૂકઃ આનંદીબહેન પટેલે સત્તા સંભાળ્યા બાદ બોર્ડ અને નિગમોમાં નિમણૂકો અંગે પ્રદેશના આગેવાન નેતાઓથી માંડીને મુખ્ય પ્રધાન સુધી લોબિંગ કરવામાં આવી રહ્યું હતું. ગત સપ્તાહે પટેલે પોતાના શાસનમાં પ્રથમ વખત હાથ ધરેલી પ્રક્રિયામાં ચાર કાર્યકરોને અધ્યક્ષ પદે, ત્રણને ઉપાધ્યક્ષ અને ૬૦ અગ્રણી કાર્યકરોને વિવિધ બોર્ડ, નિગમો તથા સત્તામંડળોમાં સભ્યો તરીકે નિમણૂકના આદેશ કર્યા છે. આ તમામ અધ્યક્ષોથી માંડીને સભ્યોની મુદત હવેથી ત્રણ વર્ષની રહેશે. ત્રણ વર્ષ બાદ આ તમામના હોદ્દા સમાપ્ત થશે.
• પંકજ લોઢિયાને ઇડીનું સમન્સઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા રાજકોટના જાણીતા બુલિયન ટ્રેડર પંકજ લોઢિયાને સમન્સ જારી કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને સુપરત કરાયેલી કાળું નાણું ધરાવનારાઓ અંગેની યાદીમાં સોના-ચાંદીના અગ્રણી વેપારી પંકજ લોઢિયાનો સમાવેશ થાય છે. પંકજ લોઢિયાની હવાલા કૌભાંડમાં સંડોવણી છે કે નહીં, તે બાબતે ઇડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
• ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડરનું ૧૨૦ વર્ષની વયે નિધનઃ ગુજરાત ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણી વખતે બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા નર્મદા જિલ્લાના દેડિયાપાડા રોજાઘાટ ગામના કથુડીયાભાઇ વસાવાનું ૧૨૦ વર્ષની વયે ગત સપ્તાહે અવસાન થયું છે. પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભા-લોકસભાની તેઓ મતદાન કરવા માટે હંમેશા તૈયાર રહેતા અને સૌથી પહેલા મતદાન કરવા જતા.
