આ ઉપરાંત ઉમિયા માતાજી મંદિર-સિદસરના પ્રમુખ અને બાન લેબના પ્રણેતા ડો. ડાહ્યાાભાઈ પટેલ તથા તેમના પત્ની લાભુબેનનું ૧૨૫ કિલો ચાંદીથી રજતતુલા સાથે કેન્દ્રીય કૃષિ પ્રધાન મોહનભાઈ કુંડારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ સંગઠનની સાંકળ દ્વારા મજબૂત બનાવી સામાજિક ઉત્થાનને વેગવંતુ બનાવવા સમાજને આહ્વાન કર્યું હતું.
• કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા સહિત ચાર આરોપી નિર્દોષઃ પોરબંદરના બખરલા ગામની ઝીંઝરકા સીમમાં આવેલી એક ખાનગી કંપનીની લીઝમાંથી રૂ. ૫૪ કરોડની ખનિજચોરી કરવાના કેસમાં પોરબંદર ચીફ જ્યુડીશ્યલ કોર્ટે ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા સહિત ચાર આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે બોખીરિયા સહિતના ચારેય આરોપીઓએ પોરબંદરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સજા સામે અપીલ કરી હતી. આ કેસનો ચુકાદો સોમવારે કોર્ટે આપ્યો હતો. જેમાં બાબુભાઈ બોખીરિયા, ભરતભાઈ ઓડેદરા, લક્ષ્મણ ભીમા ઓડેદરા અને ભીમા દુલા ઓડેદરાને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો.
