ગુજરાત-ગોંગડોંગ સિસ્ટર સ્ટેટ બનશેઃ જિનપિંગની મુલાકાત ગુજરાતને ફળી

Saturday 13th December 2014 06:27 EST
 
 

અમદાવાદઃ ત્રણ દિવસના ભારત પ્રવાસની અમદાવાદથી શરૂઆત કરનાર ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત ગુજરાતને ફળી છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ગુજરાતમાં જંગી મૂડીરોકાણ માટેનો માર્ગ મોકળો બન્યો છે. ચીન ગુજરાતમાં વડોદરા નજીક કરજણ ખાતે ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં રોકાણ કરશે. મહેમાન પ્રમુખ જિનપિંગ અને યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત અને ચીન વચ્ચે આ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સહિત કુલ ત્રણ કરાર થયા હતા.
 ગ્રાન્ડ હયાત હોટેલમાં ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતના ૬૦થી વધુ ઉદ્યોગપતિઓ અને ચાઈનીઝ ડેલિગેશનની હાજરીમાં આ કરાર કરાયા હતા. ગુજરાતમાં ચાઈનીઝ કંપનીઓનું અત્યાર સુધીમાં કુલ રૂ. ૭૦૦ કરોડનું રોકાણ થયું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં વધુ રોકાણ આવશે, જેની શરૂઆત વડોદરા જિલ્લામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અંગેના કરારથી થઈ છે.
ચાઈનીઝ કંપનીઓ કરજણ ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળોએ પણ રોકાણ કરશે. કંપનીઓ પોતાની રીતે જ જમીન ખરીદશે. આ પહેલથી સ્થાનિક કંપનીઓને નવીન ટેકનોલોજી અપનાવવા અને આયાતમાં ઘટાડો કરવા પ્રેરણા મળશે અને રાજ્યમાં રોજગારીની તકો વધશે. ચીનના રોકાણકારો ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપશે. આ કરાર ઈન્ડેક્સ્ટ-બી, ચીન સરકાર અને ગુજરાતના ઉત્પાદન એકમો વચ્ચે સંવાદ સાધવામાં પણ મદદ કરશે.
રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડી. જે. પાંડિયને કહ્યું હતું કે ચીનના ગ્વાંગડોંગ રાજ્ય અને ગુજરાત રાજ્ય વચ્ચે સિસ્ટર પ્રોવિન્સ સ્થાપિત કરવા કરાર થયા છે.
ત્રણ કરારો
ચીન-ભારતના વડાઓની હાજરીમાં અમદાવાદમાં ત્રણ કરારો - સિસ્ટર સ્ટેટ, સિસ્ટર સિટી અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટેના કરાર પર હસ્તાક્ષરો થયા હતા.
• સિસ્ટર સ્ટેટઃ કરાર અંતર્ગત ગુજરાત અને ગોંગડોંગ રાજ્યો વચ્ચે વેપાર, શિક્ષણ, સંસ્કૃતિ, શહેરી આયોજન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, માળખાકીય સુવિધાઓ, પર્યાવરણ, આરોગ્ય ક્ષેત્રે સહકાર હાથ ધરાશે. આ કરાર પર ગુજરાત સરકાર તરફથી ચીફ સેક્રેટરી વરેશ સિંહાએ અને ગોંગડોંગના એક્ઝિક્યુટિવ વાસ ગવર્નર ઝુ શાઓહુઆએ હસ્તાક્ષર કર્યા હતા.
• સિસ્ટર સિટીઃ કરાર અંતર્ગત અમદાવાદ અને ગોંગઝોહુ જોડાયા છે. જે અંતર્ગત શિક્ષણ, સંસ્કૃત, રમતગમત, શહેરી આયોજન, પર્યાવરણ, જાહેર આરોગ્ય ક્ષેત્રે સહકાર વિકસાવવા પરસ્પર મુલાકાતો ગોઠવાશે. આ કરાર પર અમદાવાદના કમિશનર થેન્નારસન્ અને ગોંગઝોહુના મેયર ચિન જિનહુઆએ હસ્તાક્ષર કર્યા હતા.
• ઇન્ડસ્ટ્રીયલ પાર્કઃ કરાર અંતર્ગત ઇન્ડેક્સ્ટ બી અને ચાઇના ડેવલપમેન્ટ બેન્ક (સીડીબી) વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારના ભાગરૂપે ચાઇના ડેવલપમેન્ટ બેંક આગામી વર્ષોમાં ગુજરાતમાં ત્રણ ઔદ્યોગિક પાર્ક સ્થપાશે. આમાંથી પ્રથમ પાર્ક વડોદરા નજીક કરજણ ખાતે સ્થપાશે.
જિનપિંગનું ખાદી જેકેટ
વડા પ્રધાન મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેમના પત્નીને હયાત હોટેલમાં આવકાર્યા હતા. બાદમાં મોદીએ પ્રમુખ જિનપિંગને ઓફ-વ્હાઇટ ખાદીનું જેકેટ ભેટમાં આપ્યું હતું. આગમન વેળા સૂટબૂટમાં સજ્જ ચીનના પ્રમુખ બાદમાં આ જેકેટ પહેરીને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચતા બધાએ આશ્ચર્ય અનુભવ્યું હતું. તેમણે તેમના સફેદ શર્ટ પર જ આ ખાદીનું જેકેટ પહેરી લીધું હતું. હૃદયકુંજ ખાતે મોદી અને જિનપિંગ થોડીક ક્ષણો માટે રોકાયા હતા. આશ્રમની મુલાકાત દરમિયાન મોદીએ એક આદર્શ યજમાનની જેમ જાતે જ ગાઇડની ભૂમિકા ભજવીને જિનપિંગને વિવિધ બાબતોથી માહિતગાર કર્યા હતા.
ચાઇનીઝ ભગવદ્ ગીતા
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ જિનપિંગને ચાઇનીઝ ભાષામાં લખાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપી હતી. આશ્રમમાં મોદી તેમ જ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સુતરની આંટી પહેરાવીને ચીનના પ્રમુખનું સ્વાગત કર્યું હતું. મોદીએ આ ઉપરાંત તેમને ‘ગાંધી ઇન અમદાવાદ’ પુસ્તક પણ ભેટમાં આપ્યું હતું. પ્રમુખ જિનપિંગને ચીની સમુદાયે ગાંધીજીને આપેલા પ્રશસ્તિ પત્રની પ્રતિકૃતિ પણ ભેટ અપાઇ હતી. પ્રમુખ જિનપિંગે ગાંધી આશ્રમની મુલાકાત વેળા હૃદયકુંજમાં ચરખો ફેરવ્યો હતો જરૂર, પણ કાંત્યો નહોતો. ચરખો કાંતવાની પદ્ધતિ શીખવવા આશ્રમના ટ્રસ્ટીઓની ગેરહાજરી હતી.
જિનપિંગે ઢોકળા ચાખ્યા પણ જમ્યા ચાઇનીઝ
પ્રમુખ જિનપિંગ અને તેમના પત્નીના માનમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા શાનદાર ભોજન સમારંભમાં ૧૫૦થી વધુ ગુજરાતી વાનગીનો રસથાળ રજૂ થયો હતો. જોકે જિનપિંગે માત્ર સેન્ડવીચ ઢોકળા જ ચાખ્યા હતા. બાકી ભોજન તેમણે ચાઇનીઝ ભોજન આરોગ્યું હતું. રસથાળમાં ખાંડવી, સેવખમણી, નાઇલોન ખમણ, સેન્ડવીચ ઢોકળાં, ખસ્તા કચોરી, રીંગણ-મેથી શાક, ગુજરાતી દાળ, ભીંડી સંભારિયા, ઊંધિયુ, ખીચડી, ભાત, ગુજરાતી કઢી, મેથીનાં થેપલા, રોટલી, ભાખરી, દહીં, કચુંબર, મિક્સ ફ્રૂટ સલાડ, દૂધપાક, શિખંડ, ફ્રૂટ હલવો, લાડુ અને રજવાડી છાશ હતા.
અને પેંગે ગાયું ‘આવારા હું...’
સાબરમતી રિવરફ્રન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રમુખ શી જિનપિંગના પત્ની પેંગ લુઆને રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મનું ‘આવારા હૂં...’ ગીત ગાતા સૌને આશ્ચર્ય થયું હતું. ઉલ્લેખનીય છે કે પેંગ ખુદ લોકગાયિકા તરીકે ભારે ખ્યાતિ ધરાવે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ રમિયાન પ્રમુખના પત્નીને કચ્છી બનાવટનાં ચણિયાચોળી, હાથના કડા, હાર ભેટમાં અપાયા હતા. ગુજરાત સરકારે ચીનના વડા જિનપિંગને ગુજરાતની બૌદ્ધ સરકીટ અંગેની પણ માહિતી આપી છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, આજે આખા વિશ્વનું ધ્યાન ગુજરાત પર છે. ચીનના વડાની મુલાકાતથી ગુજરાતના ટુરીઝમનો વિકાસ થશે, ઇન્વેસ્ટમેન્ટ વધશે.


comments powered by Disqus