ગત સપ્તાહે જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરેલા મોદીએ ટ્વિટ કર્યું હતું કે, આગામી પ્રજાસત્તાક દિવસે હું વિશેષ મિત્રની ઉપસ્થિતિની આશા રાખી રહ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મુખ્ય મહેમાન તરીકે આવવા અને તે દિવસના કાર્યક્રમની શોભા વધારવા આમંત્રણ આપ્યું છે. નરેન્દ્ર મોદીનાં આ આમંત્રણને બરાક ઓબામાએ સ્વીકારી લીધું હોવાનું જાણવા મળ્યું છે. વ્હાઈટહાઉસ દ્વારા જારી કરાયેલાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી ૨૦૧૫માં બરાક ઓબામા ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, મોદી સાથેની અમેરિકા અને જી-૨૦ બેઠકની મુલાકાત બાદ ઓબામાએ ઇમિગ્રેશન નીતિમાં પણ ઘણા ફેરફાર કર્યા છે જેનાથી ભારતીયોને પણ ફાયદો થશે.
