બોર્નવિલેને શરાબમુક્ત રાખવા લોકોનો સંઘર્ષ

Wednesday 07th October 2015 06:17 EDT
 
 

બર્મિંગહામઃ આપણા ગુજરાતમાં દારૂબંધી છે તેના કારણે અનેક લોકો વિકાસના ફળ ચાખી રહ્યા છે. આ જ રીતે બર્મિંગહામમાં ૧૨૦ વર્ષ અગાઉ ઐતિહાસિક બોર્નવિલે ગામની સ્થાપના કરાઈ ત્યારથી ત્યાં દારુબંધી અમલી છે. જોકે, ગામને અડીને આવેલા મેરી વેલ ન્યૂઝના સંચાલક કમલ શર્મા આર્થિક વિકાસના મુદ્દે દારુબંધીનો અંત લાવવામાં સફળ થયા છે.
બર્મિંગહામ સિટી કાઉન્સિલે તેમને આલ્કોહોલ વેચવા પરવાનગી આપી છે. આ શોપ ‘ડ્રાય ઝોન’થી થોડાંક મીટર જ દૂર છે. જોકે, ગામવાસીઓ ગામને આલ્કોહોલથી મુક્ત રાખવા માટે સંઘર્ષ ચલાવી રહ્યા છે.
જ્યોર્જ કેડબરીએ બર્મિંગહામમાં બોર્નવિલે ગામની સ્થાપના કરી ત્યારે ત્યાં વસાવેલા વર્કર્સને ઊંચા પગાર, સ્કૂલ અને મનોરંજન સહિતની તમામ સુવિધા આપવામાં આવી હતી. એકમાત્ર શરાબને બાદ કરતાં તેમની પાસે બધું જ હતું. કેડબરીનું ૨૦૧૦માં વેચાણ કરી દેવાયા પછી ગામના બિઝનેસીસને અસર થઈ છે.
આથી ન્યૂઝએજન્ટ કમલ શર્માએ પોતાનો સ્ટોર્સ બરાબર ચાલતો રહે તે માટે શરાબના વેચાણનું લાયસન્સ મેળવવા બર્મિંગહામ સિટી કાઉન્સિલમાં અરજી કરી હતી. અને તેમને લાયસન્સ મળી પણ ગયું છે. કમલ શર્માએ કાઉન્સિલ સમક્ષ કરેલી અરજીના સમર્થનમાં ૪૦૦થી વધુ ગ્રાહકોએ સહી કરી હતી. જોકે, આ પૂર્વે ૨૦૦૭માં ટેસ્કો દ્વારા કરાયેલા આવા જ પ્રયાસ સામેની એક લડતમાં ગામવાસીઓનો વિજય થયો હતો.
ધ બોર્નવિલે વિલેજ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર શરાબના લાયસન્સથી અસામાજિક વર્તણૂકને ઉત્તેજન મળશે અને ગામની વિશિષ્ટતાને નુકસાન થશે. સ્થાનિક કાઉન્સિલરો ટિમોથી હક્સટેબલ અને રોબસિલેએ ગામવાસીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘બોર્નવિલેના સ્થાપક જ્યોર્જ કેડબરીએ ગામમાં શરાબના લાયસન્સ કે પબ ના હોય તેવો ઈરાદો રાખ્યો હતો. અમે અનોખી સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા ઈચ્છીએ છીએ.’


comments powered by Disqus