હજારો કોન્ટ્રેક્ટર્સ અને ફ્રીલાન્સર્સ ટેક્સજાળમાં

Wednesday 07th October 2015 06:08 EDT
 
 

લંડનઃ બ્રિટનના રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગે તેને મળેલી નવી સત્તાઓ હેઠળ પાછલા વર્ષોના બાકી ટેક્સના સંદર્ભે સામાન્ય વર્કર સાથે Pay Now, Argue Later (ચૂકવણી હમણાં, દલીલ પછી)ની નીતિ અપનાવી છે. હજારો કોન્ટ્રેક્ટર્સ અને ફ્રીલાન્સર્સ ૫.૫ બિલિયન પાઉન્ડની ટેક્સ રેઈડ્સની જાળમાં ભરાઈ ગયાં છે, જેમણે ત્રણ મહિનામાં તમામ બાકી કર ચૂકવવો પડશે. ઓછો કે નહિ ચૂકવેલો કર ઘણા વર્ષ અગાઉની નોકરીધંધા સંબંધિત પણ હોઇ શકે છે.
ગયા વર્ષે HMRCને ટેક્સ ટાળવા માટે વિવિધ યોજનાઓનો લાભ મેળવતા ઈન્વેસ્ટર્સ સામે કોર્ટમાં ગયા વિના સંભવિત ટેક્સ જવાબદારીઓ અદા કરવા દબાણની સત્તાઓ મળી હતી, જેનો ઉપયોગ સામાન્ય વર્કરો માટે કરાઈ રહ્યો છે.
અગાઉ, રેવન્યુ વિભાગને અબજો પાઉન્ડનો કર મેળવવા માટે ખર્ચાળ કોર્ટ કાર્યવાહી કરવી પડતી હતી. મિલિયોનેર બિઝનેસમેન અને પ્રીમિયર લીગ ફૂટબોલર્સ ટેક્સ બચાવતી યોજનાઓમાં રોકાણો કર્યા પછી ૧૦ મિલિયન પાઉન્ડ સુધીની ટેક્સ ડિમાન્ડ્સનો સામનો કરી રહ્યા છે.
ઘણાં નોકરિયાતોને તેમની જૂની નોકરીઓના સંદર્ભે ટેક્સ ડિમાન્ડ્સ મોકલાઈ છે. જો આ લોકો ‘એગ્રેસિવ એવોઈડન્સ’ સ્કીમનાં ઉપયોગમાં નિર્દોષ જણાશે તો તેમને રિફન્ડ મળી જશે, પરંતુ અત્યારે તો ત્રણ મહિનામાં નાણા ચૂકવવા પડશે. ૬૪ હજાર લોકોને આવી ડિમાન્ડ નોટિસો મોકલાઈ છે. HMRCને અત્યાર સુધી આવી નોટિસો સામે ૧ બિલિયન પાઉન્ડ મળી પણ ગયાં છે, જેમાંથી મોટા ભાગની રકમ રિફન્ડ થવાની શક્યતા છે. અત્યાર સુધી ૨૮ મિલિયન પાઉન્ડ રિફન્ડ ચુકવી દેવાયું છે.


comments powered by Disqus