લંડનઃ આશરે ૭.૫ લાખ લંડનવાસી તેમની ખરાબ જીવનશૈલીના કારણે ટાઈપ-ટુ ડાયાબીટીસનું ભારે જોખમ ધરાવે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના અભ્યાસ અનુસાર હેરોમાં તો પ્રમાણ બહુ ઊંચુ છે. અહીં વસ્તીના ૧૪ ટકા અથવા સાતમાંથી એક પુખ્ત વ્યક્તિને લોહીમાં સુગરનું જોખમી પ્રમાણ રહે છે, જ્યારે બ્રેન્ટ આ યાદીમાં બીજા ક્રમે છે. સૌથી ઓછી ૮.૭ની ટકાવારી હેમરસ્મિથ અને ફૂલહામની છે.
વંશીય વસ્તીમાં ટાઈપ-ટુ ડાયાબીટીસનું પ્રમાણ વધારે જણાયું છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ મિલિયન લોકો પર ટાઈપ-ટુ ડાયાબીટીસ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે, જ્યારે આશરે ૨.૨ મિલિયન લોકોને ટાઇપ-ટુ ડાયાબીટીસ છે. તેના કારણે દર વર્ષે અકાળે ૨૨ હજાર મોત નીપજે છે અને આની સારવાર પાછળ નેશનલ હેલ્થ સર્વીસને દર વર્ષે ૮.૮ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે.

