વડોદરાઃ પાદરા તાલુકાના ઠીકરીયા ગામે વિશ્વામિત્રી નદીના કિનારે ઓવારા પર કપડાં ધોઈ રહેલી યુવતી પર મહાકાય મગરે હુમલો કર્યો હતો. મગરે યુવતીનો પગ જડબામાં પકડીને તેને પાણીમાં ખેંચી જવા પ્રયાસ કર્યો હતો પણ દુર્ગા જેવી માતાએ મગરનો ધોકા વડે સાનો કરીને તેને મોતના મુખમાંથી છોડાવી હતી. મગર સામે જીવનમરણનો જંગ ખેલનાર માતા-પુત્રી બન્ને ખુશખુશાલ છે.
ઠીકરીયા ગામમાં રહેતી ૧૯ વર્ષીય કાન્તા ઈશ્વરભાઈ મકવાણા તેની માતા ૫૫ વર્ષીય દિવાળીબહેન સાથે ગામના કિનારે વિશ્વામિત્રી નદીમાં કપડાં ધોવા માટે ગઈ હતી. નદીમાં કમર સમા પાણી ભરેલા ઓવારા જેવા બનાવેલી જગ્યામાં સિમેન્ટના ભુંગળા પર બેસીને કાન્તા કપડાં ધોવા માટે બેઠી હતી જયારે તેની માતા પણ નજીકમાં કપડાં ઘસીને પુત્રીને આપવાનું કામ શરૂ કર્યું હતું. ભુંગળા પર કપડા ધોતી કાન્તાના બંને પગ પાણીમાં હતાં તે સમયે ત્યાં અચાનક એક વિકરાળ મગર પહોંચ્યો હતો. બન્ને કામમાં મશગુલ હોઈ તેઓને છીછરા પાણીમાં પણ મગર નજરે ચઢ્યો નહોતો. મગરે જમણો પગ મજબુત જડબામાં પકડીને કાન્તાને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. મગરે પાણીમાં ખેંચવા પ્રયાસ કરતાં જ કાન્તાએ બચાવ માટે બુમો પાડી હતી. પુત્રી પર મગરે હુમલો કર્યો હોવાનું જાણતાં જ દિવાળીબહેને પળભરનો પણ વિચાર કર્યા વિના જીવના જોખમે કપડા ધોવાનો ધોકો લઈ મગર પર તુટી પડયા હતા.
તેઓ મગરના માથામાં આડેધડ ફટકા મારવા લાગ્યા હતા. આ હુમલાના પગલે મગરના જડબાની પકડ ઢીલી પડતાં જ કાન્તાએ પગ ખેંચી લીધો હતો. બીજી તરફ, શિકાર છટકતાં મગરે એક તબક્કે દિવાળીબહેન પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે ધોકાવાળી ચાલું રાખતાં મગર માતા-પુત્રીને છોડીને ઝડપની પાણીના ઉંડાણમાં સરકી ગયો હતો.
દિવાળીબહેન જાનના જોખમે પુત્રીને બચાવી લેતા ગ્રામજનોએ તેમની બહાદુરીને બિરદાવી હતી.