ડિજિટલ ઇંડિયાઃ નરેન્દ્ર મોદીનું સ્વપ્ન

Wednesday 08th July 2015 06:06 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના દરેક ગામ અને શહેરને ઈન્ટરનેટથી જોડવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વકાંક્ષી ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોજેક્ટ દેશ-દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિતિમાં લોન્ચ કરાયો છે. પાટનગરમાં ઈન્દિરા ગાંધી અરેનામાં યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં લોન્ચ થયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશભરના લોકોને ઈન્ટરનેટથી જોડવાનો છે, જેથી તેમને રોજિંદા જીવન સાથે સંકળાયેલી સુવિધાઓ ઓનલાઈન મળી શકે.
‘ડિજિટલ ઈન્ડિયા વીક’ના ભાગરૂપે દેશભરમાં એક સપ્તાહ સુધી આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કાર્યક્રમો યોજાયા હતા. ૬૦૦થી નગરોમાં સાત દિવસ ચાલેલા કાર્યક્રમ અંતર્ગત ૨૫૧ સેવા અને પ્રોડક્ટ લોન્ચ કરાયા હતા.
ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને તેનાં વિવિધ ટૂલ્સના ઉપયોગ સાથે સેવાઓના વિસ્તરણ અને જન-સશક્તિકરણના વ્યાપક ભાગરૂપે વડા પ્રધાને પહેલી જુલાઇએ ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ કરાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાનો લોગો અને મેગેઝિન લોન્ચ કરતાં જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયામાં કોર્પોરેટ સેક્ટર દ્વારા રૂપિયા ૪.૫ લાખ કરોડનું રોકાણ કરાશે, તેને પગલે ૧૮ લાખ નોકરીઓ પેદા થશે. ઈ-ગવર્નન્સ હવે મોબાઇલ ગવર્નન્સમાં તબદીલ થઇ જશે. ટૂંક સમયમાં મોબાઇલ ગવર્નન્સ વાસ્તવિકતા બની રહેશે.
આ યોજના હેઠળ લોકોને તેમના મહત્ત્વના દસ્તાવેજો સાચવવા માટે ડિજિટલ લોકરની સુવિધાથી માંડીને હોસ્પિટલોમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સુવિધા મળશે. ડિજિટલ ઇન્ડિયા યોજના અંતર્ગત મોદીસરકાર વર્ષ ૨૦૧૯ સુધીમાં દેશની તમામ ગ્રામપંચાયતોને બ્રોડબેન્ડ સેવાઓથી જોડવા, તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વાઇ-ફાઇ સુવિધા અને મહત્ત્વનાં શહેરોમાં જાહેર વાઇ-ફાઇ સ્પોટ ઊભા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઉપરાંત સરકાર આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને બેંકિંગ જેવાં રોજિંદા જીવન સાથે સંકળાયેલા મહત્ત્વનાં ક્ષેત્રોને ડિજિટલ ઇન્ડિયા યોજનામાં સાંકળી લેવા તત્પર છે.
ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ દરમિયાન ઈ-હેલ્થ, ઈ-એજ્યુકેશન અને ડિજિટલ લોકર જેવી યોજનાઓ લોન્ચ કરવામાં આવી હતી. વડા પ્રધાનની સાથે કાર્યક્રમમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સાયરસ મિસ્ત્રી, સુનીલ ભારતી મિત્તલ, અઝીમ પ્રેમજી, કુમાર મંગલમ્ બિરલા સહિતના મોટા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા માટે ૨.૫ લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્દોરની બે ગ્રામ પંચાયતોને ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટથી જોડી હતી. ઈન્દોરમાં આ પ્રોજેક્ટ હેઠળ ૩૫ કિલોમીટરના દાયરામાં આવતી દસ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ સર્વિસથી જોડવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઈન્ડિયા’ને દેશનું ભવિષ્ય ગણાવતાં જણાવ્યું હતું કે ભારતનાં પરિવર્તનનું માળખું તૈયાર છે. જો દેશને ડિજિટલ શક્તિ નહીં મળે તો આપણે પછાત રહીશું. ગરીબો વંચિત રહેશે તો ડિજિટલ ડિવાઇડનું જોખમ સર્જાશે. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી ગ્રામીણ ભારતમાં પણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે.
તેમણે કહ્યું હતું કે ડિજિટલ શક્તિને સમજવી સમયની માંગ છે અને જો આમ ન કર્યું તો વિશ્વ ખૂબ જ આગળ નીકળી જશે અને આપણે પાછળ રહી જઈશું. આવનાર સમયમાં દેશ ‘એમ-ગવર્નન્સ’માં પરિવર્તિત થવાનો છે. આનો અર્થ મોદી ગવર્નન્સ નહીં, પણ મોબાઈલ ગવર્નન્સ છે. સમગ્ર સરકાર તમારા મોબાઈલમાં કેદ થવાની છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે સમય ઝડપભેર બદલાઈ રહ્યો છે. અગાઉ તમે ઘરમાં પ્રવેશતા હતા ત્યારે બાળક તમારા ખિસ્સામાંથી પેન કે ચશ્માં ખેંચતો હતો, પણ હવે તે સૌથી પહેલાં મોબાઈલ છીનવે છે. બાળક બીજું કાંઈ સમજે કે ન સમજે તે ડિજિટલ શક્તિને સમજે છે. હવે માનવીઓની વસ્તી ત્યાં જ વસશે જ્યાંથી ઓપ્ટિકલ ફાયબર કેબલ પસાર થતો હશે. ભારત પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવા માટે મજબૂર છે, પણ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની આટલા મોટા પ્રમાણમાં આયાત યોગ્ય નથી.
ડિઝાઇન ઇન ઇંડિયા
જો ભારતીયો ગૂગલમાં કામ કરી શકતા હોય તો શા માટે ગૂગલ મેડ ઇન ઇન્ડિયા ન બની શકે? આમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડિઝાઇન ઇન્ડિયા પણ મેક ઇન ઇન્ડિયાની જેમ જ મહત્ત્વનું છે. આપણા યુવાનોની કુશળતાનો ઉપયોગ થવો જોઇએ. આપણે ડિઝાઇન ઇન ઇન્ડિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
ડિજિટલ ઇન્ડિયાના લાભ
આ પ્રોજેક્ટ તળે ભારતીયોને જે લાભ મળશે તેમાં જમીન-મકાનની નોંધણી પેપરલેસ બનશે. હોસ્પિટલોમાં ઇ-એપોઇન્ટમેન્ટ લઇ શકશે તો ઈ-ગોડાઉન, ઈ-લોકર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને પોર્ટલથી શિષ્યવૃત્તિ મળી રહેશે. ભારત સંચાર નિગમ લિમિટેડનો ૩૦ વર્ષે કાયાકલ્પ થશે. ડિજિટલ ઇંડિયા પ્રોજેક્ટથી દેશના નાના કસબાઓમાં બીપીઓ પહોંચશે. ઈ-સાઇન ફ્રેમવર્કમાં આધારકાર્ડનાં માધ્યમથી ડિજિટલ હસ્તાક્ષર શક્ય બનશે. મોબાઇલ બેંકિંગથી આર્થિક વ્યવહાર પણ પેપરલેસ બનશે. આ પ્રોજેક્ટ સાકાર થયે સમગ્ર ભારત ઈ-ગવર્નન્સથી જોડાઇ જશે.
મુખ્ય યોજનાઓ...
પ્રોજેક્ટની મહત્ત્વની યોજનાઓ પર નજર ફેરવીએ તો ઇ-લોકર અંતર્ગત વ્યક્તિ ‘પાન’ કાર્ડ, આધારકાર્ડ, માર્કશીટ્સ તેમ જ અન્ય જરૂરી દસ્તાવેજો સ્ટોર કરી શકશે. જ્યારે ઈ-બેગ યોજના હેઠળ વિદ્યાર્થી કોઇ પણ રાજ્યનાં શિક્ષણ બોર્ડનાં પુસ્તકો વિદ્યાર્થી ઘેર બેઠાં વાંચી શકશે, જેને કારણે વિદ્યાર્થીનાં દફતરનું વજન ઘટશે. વિદ્યાર્થી મોબાઇલ પર પણ આ પાઠયપુસ્તક વાંચી શકશે. તો ઈ-હેલ્થ યોજના અંતર્ગત ઈ-હોસ્પિટલ અને ટેલી-મેડિસિન જેવી સુવિધા આવરી લેવાશે. હોસ્પિટલોની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇ શકાશે. ગ્રામીણ વિસ્તારોમાં ઈ-હોસ્પિટલ દ્વારા સારી સેવાઓ પહોંચશે.
...અને યોજના સામેના પડકારો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના સંપૂર્ણપણે સાકાર થશે ત્યારે દેશમાં આઇટી ક્રાંતિ સર્જાશે તેમ કહીએ તો પણ ખોટું નથી. પરંતુ યોજના આડે એક નહીં, અનેક અવરોધો પણ છે. જેમ કે, ઇન્ટરનેટ અને સાક્ષરતાનો અભાવ, ઇન્ટરનેટની ધીમી સ્પીડ મોટી સમસ્યા છે, વીજ પુરવઠાનો અભાવ પણ યોજનાના અમલ આડે મોટો અવરોધ સર્જી શકે છે. અને વર્તમાન આંકડા અનુસાર, દેશની માત્ર ૧૫ ટકા વસતી જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. બાકીના બહોળા સમૂહને ઇન્ટરનેટ સાથે સાંકળવાનું કાર્ય આસાન નથી.
ડિજિટલ ઇન્ડિયામાં મોદીનું સ્વપ્ન છે કે...
• હાઈસ્પીડ ડિજિટલ હાઈવે સમગ્ર દેશને એક કરે.• ૧૨૦ કરોડ ભારતીયોને સંશોધનો માટે સાંકળે. • ખુલ્લી સરકાર અને પારદર્શક શાસન હશે. • ટેક્નોલોજી સરકારને ભ્રષ્ટાચારમુક્ત બનાવશે. • ગ્રામીણ અર્થતંત્રને ઈ-હેલ્થકેરનો લાભ મળશે. • વિશ્વ ભારત સામે નવા વિચારો માટે મીટ માંડશે.
ડિજિટલ ઇન્ડિયા આમ થશે સાકાર
• ૧ લાખ કરોડ રૂપિયા ડિજિટલ ઇન્ડિયા પાછળ ખર્ચાશે • ૨.૫ લાખ ગામોમાં બ્રોડબેન્ડ અને યુનિવર્સલ ફોન કનેક્ટિવિટી • ૨.૫ લાખ શાળા, યુનિવર્સિટીમાં વાઇફાઇ, શહેરોમાં વાઇફાઇ હોટસ્પોટ • ૧.૭ કરોડ લોકોને નોકરી. ૮.૫ કરોડ લોકોને પરોક્ષ રોજગાર
ડિજિટલ ઇંડિયાને સમર્થન
• રૂ. ૨.૫૦ લાખ કરોડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ • રૂ. ૧ લાખ કરોડ એરટેલ • રૂ. ૪૪,૫૦૦ કરોડ આદિત્ય બિરલા ગ્રૂપ • રૂ. ૧૦,૦૦૦ કરોડ અનિલ અંબાણી ગ્રૂપ • રૂ. ૩,૧૮૦ કરોડ ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ, તાઇવાન


comments powered by Disqus