દ્વારકા- કચ્છ ફેરીઝ એન્ડ ટુરીઝમ પ્રા.લી. કંપની અને ગુજરાત સરકારના મેરીટાઇમ બોર્ડના સહયોગથી સૌરાષ્ટ્ર -કચ્છના ૧૨૦૦ કિલો મીટર લાંબા દરિયા કિનારાને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝની દૃષ્ટિએ વિકસાવવા માટે મહત્ત્વાકાંક્ષી અને દૂરોગામી પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ઓખાથી કચ્છના માંડવી બંદર વચ્ચે ફેરી બોટ સર્વિસ ડિસેમ્બર માસના અંતથી શરૂ થવાની છે. પ્રવાસીઓને નાતાલની ભેટમાં ફેરી બોટ સર્વિસમાં દરિયાનો રોમાંચક પ્રવાસ અને સરહદી વિસ્તારમાં ફરવાની અમૂલ્ય તક મળશે. આગામી ૧૮, ૧૯ અને ૨૦ ડિસેમ્બરે કચ્છમાં યોજાનારી ડીજી કોન્ફરન્સ દરમિયાન આ ફેરી સર્વિસ વીવીઆઇપી માટે રહેશે જ્યારે ૨૧મી ડિસેમ્બરથી સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાશે. આ પ્રોજેકટને કચ્છ સાગર સેતુ નામ આપવામાં આવ્યું છે.
