અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યના મતદારોએ બે તબક્કામાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ઇતિહાસનું પુનરાવર્તન કરતા હોય તેમ કોંગ્રેસ પર વિજયકળશ ઢોળ્યો છે.
જાહેર થયેલા પરિણામો અનુસાર ૭૭ ટકા ગ્રામ્ય વિસ્તારો અને ૩૩ ટકા શહેરી વિસ્તારો કોંગ્રેસે મેળવ્યા છે. શહેરોમાં ૧.૩૦ કરોડ મતદારો હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોની સંખ્યા ૨.૨૩ કરોડ હતી. મતલબ કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે વધારે જીત મેળવી છે. આ ટકાવારી મુજબ ભાજપ કરતાં કોંગ્રેસનો વિજય વધારે મજબૂત છે. ૩૬ નગરપાલિકાની બેઠકો એવી છે કે જે અર્ધ શહેરી અને અર્ધ ગ્રામ્ય છે. જે ૩૬ વિધાનસભાની બેઠકો ઉપર અસર કરે છે. જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપર અસર થઈ શકે છે.
આ ચૂંટણીના પરિણામનો સીધો અર્થ એ નીકળે છે કે, કોંગ્રેસ પાસે મતનો પાયો વધારે મજબૂત થયો છે. જો વિધાનસભાની ચૂંટણી અત્યારે થઈ હોત તો ભાજપ માટે કપરાં ચઢાણની સ્થિતિ સર્જાઈ હોત. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ચિંતા કરવી પડે તેવી સ્થિતિ ભાજપની જણાઇ રહી છે. કારણ કે કોંગ્રેસને જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેઠકો મળી છે તેમાં વિધાનસભાની બેઠકો પ્રમાણે જીતની શક્યતા વધી જાય છે. બહુમતી મતદારો ઉપર કોંગ્રેસનો વધારે દબદબો રહ્યો છે.
બીજી ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય સાથે પ્રતિષ્ઠા સાચવી છે, પણ આ વિજય ગત ચૂંટણી જેવો ભવ્ય નથી. પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપે સુરત, રાજકોટ, ભાવનગરમાં મહત્ત્વની બેઠકો ગુમાવી છે.
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નામશેષ થવાને આરે આવી પહોંચેલી કોંગ્રેસની બેઠકોમાં (પાટીદારોના ભાજપવિરોધી રોષના કારણે) વધારો થયો છે.
જિલ્લા પંચાયતોની વાત કરીએ તો કુલ ૩૧ જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસે ૨૨માં વિજય મેળવ્યો છે જ્યારે ભાજપનો માત્ર ૭માં વિજય થયો છે. જ્યારે ચાર જિલ્લા પંચાયતો અન્યના ફાળે ગઇ છે.
આ જ રીતે તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસ કુલ ૧૩૪ તાલુકા પંચાયતો કબ્જે કરી છે જ્યારે ભાજપના ફાળે ૬૭ તાલુકા પંચાયતો આવી છે.
જીતની પરંપરામાં બ્રેક વાગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટા ભાગે સત્તાધારી પક્ષનો વિજય થતો રહ્યો છે. ૧૯૮૮માં અમરસિંહ ચૌધરીની સરકારથી આ પરંપરા અકબંધ હતી, પણ આ ચૂંટણીથી એમાં બ્રેક વાગી ગઈ છે.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદારોએ ૨૬માંથી ૨૬ બેઠકો ભાજપને આપી હતી. આજે ૧૭ મહિનામાં જ મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યાં જણાય છે. મતદારો કાયમ ગણતરીપૂર્વક મતદાન કરતો
હોય છે તેવું આ વખતે પણ સ્પષ્ટ થયું છે.
ગુજરાતમાં પુખ્ત લોકશાહી
ગુજરાતમાં કુલ ૧૧ પ્રાદેશિક પક્ષો બન્યા છે અને વિલીન થયા છે. છેલ્લો પક્ષ ગુજરાત પરિવર્તન પક્ષ હતો. આ ચૂંટણી બાદ હવે સ્પષ્ટ છે કે, રાજ્યમાં બે જ પક્ષો નાગરિકોને પસંદ છે - ભાજપ અથવા કોંગ્રેસ. રાજ્યમાં ત્રીજા પક્ષને કોઈ સ્થાન નથી. યુરોપ અને અમેરિકાની જેમ ગુજરાતમાં પણ પુખ્ત લોકશાહીની જેમ બે પક્ષોનું અસ્તિત્વ રહ્યું છે જેમાં એક પક્ષ નિષ્ફળ જાય તો બીજા પક્ષને નાગરિકો મત અને તક આપે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. તે ત્યારે કેટલાક અંશે સાચું ઠર્યું હતું, પરંતુ આ ચૂંટણીમાં સૂત્રનો રંગ જામ્યો નહીં. અહીં કોંગ્રેસયુક્ત ગુજરાત બની રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો કોંગ્રેસયુક્ત ગુજરાત સૂત્ર જ સાર્થક બન્યું છે.

