ભાજપે છ મ્યુનિ. કોર્પોરેશન કબ્જે કરી, પણ કોંગ્રેસે હંફાવી દીધા

Wednesday 09th December 2015 09:25 EST
 
 

અમદાવાદઃ રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે વિજય મેળવીને અત્યારે તો પ્રતિષ્ઠા સાચવી લીધી છે, પરંતુ જીત ગત ચૂંટણી જેવી ચમકદાર નથી. પાટીદાર અનામત આંદોલનને કારણે સુરત, રાજકોટ, ભાવનગરમાં ભાજપે મહત્ત્વની બેઠકો ગુમાવી છે. તો બીજી તરફ મહાનગરપાલિકાઓમાં લગભગ નેસ્તનાબૂદ થવાને આરે પહોંચેલી કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને વોર્ડ સીમાંકન ફળ્યું હોય એમ તેની લાજ રહી ગઇ છે. ભાજપના જ્વલંત વિજયમાં પાટીદાર આંદોલને મોટો અવરોધ ઊભો કર્યો હતો. અમદાવાદમાં પક્ષના ચિહન કરતાં ઉમેદવારોની વ્યક્તિગત ઇમેજે વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભાજપની આઠ પેનલ તૂટી છે. તો કોંગ્રેસને કોટ વિસ્તારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
વડોદરા
વડોદરા સેવાસદનની ચૂંટણીમાં કેપ્ટન વગરની કોંગ્રેસને ૧૪ બેઠક મળી છે. નવા સીમાંકન સાથે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ગત ચૂંટણીની સરખામણીએ બેઠક ગુમાવી છે તો કોંગ્રેસને ત્રણ બેઠકનો ફાયદો થયો છે. સેવાસદનની ૭૬ બેઠક પૈકી ભાજપને ૫૮ બેઠક, કોંગ્રેસને ૧૪ અને રાષ્ટ્રીય સમાજ પક્ષને ચાર બેઠક મળી હતી. સૌપ્રથમ પરિણામ ઇલેક્શન વોર્ડ નં. ૧૬નું જાહેર થયું હતું. ૨૦૧૦ની ચૂંટણીમાં ભાજપને ૬૪ બેઠક અને કોંગ્રેસને ૧૧ બેઠક મળી હતી. જ્યારે વખતે પરિણામમાં ભાજપને ૫૮, કોંગ્રેસને ૧૪ અને રાષ્ટ્ર સમાજ પક્ષને ૪ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
સુરત
સુરતના વરાછા, કાપોદ્રા, પુણાગામ, મોટા વરાછા અને સરથાણામાં ભાજપના પરંપરાગત પાટીદાર મતદારોમાં રોષ જોવા મળ્યો છે. પાટીદારોનો રોષ મતદાનમાં પણ દેખાયો છે અને વિસ્તારમાંથી ભાજપની પેનલોનો સફાયો થઈ ગયો હોય તેમ કોંગ્રેસના ઉમેદવારોએ વર્ષો પછી વિજય પ્રાપ્ત કર્યો છે. જે વિસ્તારોમાં પાટીદારોએ થાળી-વેલણથી વિરોધ નોંધાવ્યો હતો તે વિસ્તારોના વોટિંગ મશીન પર પંજો ફરી વળ્યો અને પાટીદારોએ કોંગ્રેસને ૨૦ બેઠકો ભેટમાં આપી દીધી છે. વરાછા-કાપોદ્રા અને કતારગામના પાટીદારો હવે અનામત આંદોલન અને પોલીસ દમનને કારણે ભાજપથી વિમુખ થયા છે. આવા સંજોગોમાં શહેર ભાજપમાંથી હવે પાટીદારોનું વર્ચસ્વ ઓછું થઈ જશે.
રાજકોટ
રાજકોટના ૧૮ વોર્ડમાંથી ૧૪ વોર્ડમાં તો જે તે પક્ષની પૂરેપૂરી પેનલોનો વિજય થયો છે, પણ ચાર વોર્ડમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે પેનલ તૂટી છે અને તેનો ફાયદો ભાજપને થયો છે. ત્રણ વોર્ડમાં ક્રોસ વોટિંગને કારણે ભાજપના એક-એક મળી કુલ ત્રણ ઉમેદવાર ચૂંટાયા છે. ભાજપને માત્ર ચાર બેઠકની સરસાઇથી સત્તા મળી છે. જો ત્રણ બેઠક પર ક્રોસ વોટિંગ થયું હોત તો ભાજપને મળેલી બેઠકનો આંકડો ૩૫ થયો હોત. મતલબ કે સતા કોંગ્રેસને મળી હોત. બે વોર્ડમાં પાટીદારોનું અને એક વોર્ડમાં આહીરોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું છે. ક્રોસ વોટિંગને કારણે ભાજપને ત્રણ બેઠક પર અને કોંગ્રેસને એક બેઠક પર વિજય મળ્યો. ભાજપને ૩૮ બેઠક મળી. ત્રણ બેઠક ન મળી હોત તો તેનો સ્કોર ૩૫ પર અટકી ગયો હોત.
ભાવનગર
ભાવનગર મહાનગર-પાલિકાની ચૂંટણીમાં પાટીદારો ભાજપની સાથે રહ્યા હોવાનું પરિણામોમાં સ્પષ્ટ જણાય છે. શહેરમાં પાટીદારોના નોંધપાત્ર મત ધરાવતા વડવા-અ અને બોરતળાવ વોર્ડમાં પોતાની બેઠકો વધારવા કોંગ્રેસે વડવા-અ વિસ્તારમાં ૩ અને બોરતળાવ તથા કાળિયાબીડમાં ૧-૧ ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે તમામ વોર્ડમાં હાર અથવા જીત નક્કી કરનારા પાટીદારોના મત કોંગ્રેસને મળ્યા નહીં. ભાજપ સામેની પાટીદારોની નારાજગી ઈવીએમમાં પહોંચી નથી. શહેરમાં વસતા પાટીદારોને અનામત આંદોલન અંગેની માહિતી તથા સરકારી યોજનાઓ સમજાવવામાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો સફળ રહ્યા હોય તેવું મત ગણતરીના આંકડા દ્વારા જણાઇ રહ્યું છે.
જામનગર
જામનગરમાં નવા સીમાંકન બાદની પ્રથમ ચૂંટણીમાં ઘણાં સમીકરણો સામે આવ્યા છે, જોકે મનપામાં સત્તા જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યો અને ૬૪માંથી ૩૮ બેઠક મેળવી છે. સાથે સાથે કોંગ્રેસે પણ કાઠું કાઢ્યું અને પાટીદાર સમર્થન સહિત ૨૬ બેઠકો મેળવી છે. ૨૦૧૦ની ચૂંટણી બાદ થયેલા ફેરફારોના અંતે હાલ જૂના સીમાંકન મુજબ ૫૭માંથી જામનગર મહાનગરપાલિકામાં ૩૮ બેઠક ભાજપની ૧૫ બેઠક કોંગ્રસની અને ૪ અન્યની રહી હતી. જોકે પાટીદાર આંદોલન પણ એક મહત્ત્વનું પરિબળ બની ગયું હતું. ૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાંથી ૪૨થી ૪૫ બેઠક મેળવવાનો ભાજપ પ્રમુખનો દાવો હતો તે સફળ રહ્યો નથી. હા, પક્ષ બહુમતી જાળવી શક્યો છે. તેમાં પણ નવા સીમાંકન બાદ વોર્ડના વિસ્તારોમાં વધઘટ થઈ છતાંય આયોજનબદ્ધ રીતે પ્રચાર પ્રસાર કરવા કેળવાયેલા પક્ષનું જમા પાસું ઊભરી આવ્યું હતું.


comments powered by Disqus