નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સંડોવતા નેશનલ હેરાલ્ડ કેસના મુદ્દે મંગળવારે સંસદમાં ધમાસાણ થયું હતું. સોનિયા ગાંધીએ સીધી ટિપ્પણી નહીં કરવાને બદલે ઊંચા સ્વરમાં કહ્યું હતું કે, હું ઈન્દિરા ગાંધીની વહુ છું, કોઈનાથી ડરતી નથી. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ આ બદલાની કાર્યવાહી છે. આ કેસમાં સોનિયા અને રાહુલ સહિતના અન્ય આરોપીઓને જોકે હમણાં થોડી રાહત મળતાં ૧૯મી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા માટે જણાવાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત અન્ય નેતાઓ મોતીલાલ વોરા, સુમન દુબે, ઓસ્કાર ફર્નાન્ડિઝ, અને સામ પિત્રોડાને આ મુદ્દે મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ કોઈ પહોંચ્યું નહોતું અને બચાવ પક્ષના વકીલ અભિષેક મનુ સિંઘવીને કોર્ટ પાસે મહેતલ માગતા ૧૯મી તારીખ મળી હતી. તમામ પર છેતરપિંડી, બીજાની સંપત્તિનો દુરુપયોગ અને વચન ફેરવી તોળવાનો આરોપ છે.

