હવે લંડનમાં પણ સંભળાશે ગીરના સાવજોની ત્રાડ

Wednesday 09th December 2015 06:37 EST
 
 

જૂનાગઢઃ એશિયાઈ સિંહોથી આકર્ષાયેલી લંડનની ઝૂઓલોજિકલ સોસાયટીએ માર્ચ ર૦૧૬ સુધીમાં ગીરના સિંહની એક જોડી લંડનને આપવાની દરખાસ્ત રાજ્યના વનવિભાગને કરી હતી અને રાજ્યના વનવિભાગ સાથે આ અંગેના એમઓયુની ચર્ચા પણ ચોથી ડિસેમ્બરના રોજ થઈ છે. આ બાબતને રાજ્ય સરકારની મંજૂરીની મહોર લાગે તેની રાહ જોવાઈ રહી છે. એ પછી દેશની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પોલીસી અનુસાર આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.
આ વિશે વિગતો આપતા જૂનાગઢના વરિષ્ઠ વનસંરક્ષક એ. પી. સિંહે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં સક્કરબાગમાંથી વિશ્વના ૪૦ જેટલા દેશોમાં સિંહો મોકલાયા છે. બદલામાં ચિત્તા, ઝીબ્રા, ગેંડા જેવા પ્રાણીઓ લવાયા છે. એશિયાઈ સિંહો લંડનના ઝૂ સુધી પહોંચશે તો તે બાબત આપણા માટે ગૌરવરૂપ હશે. દરમિયાન, ઝેડએસએલ અને ગુજરાત સરકારના વન ખાતા વચ્ચે ગીરના સિંહોના રક્ષણ અને સંવર્ધન અંગેના કરાર પણ થયા છે. આ કરાર મુજબ, ઝેડએસએલ ગીરના સિંહોના નિરીક્ષણના પ્રોજેક્ટમાં ગુજરાતને સહાય કરશે તથા ફોરેસ્ટ ગાર્ડ્ઝને તાલીમ આપશે. સક્કરબાગ ઝૂ ખાતે પણ ઝેડએસએલની તાલીમ હેઠળનું વેટેરીનરી ફેસિલિટી સેન્ટર સ્થપાશે. 
ઝેડએસએલ આ ઉપરાંત સિંહો અંગે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરશે અને શાળાઓ અને સ્થાનિક મહિલાઓને પ્રશિક્ષિત કરીને સિંહો અને માનવ વચ્ચેના ઘર્ષણને ટાળવાના પ્રયાસો કરશે.


comments powered by Disqus