આણંદ, પ્રિટોરિયાઃ ચરોતરના વતની અને છેલ્લા દોઢ દસકાથી સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં સ્થાયી થયેલા ૩૫ વર્ષના પટેલ યુવાનની ગળું કાપીને હત્યા કરી નંખાતા સ્થાનિક ભારતીય સમુદાય તેમ જ ચરોતરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લા દસ વર્ષથી પ્રિટોરિયામાં પોતાની માલિકીનો પ્રોવિઝન સ્ટોર ધરાવતા બિરેન પટેલ પર બીજી સપ્ટેમ્બરે સાંજના સમયે આ હુમલો થયો હતો. બિરેન સ્ટોરમાં હતો ત્યારે અચાનક ચાર સ્થાનિક યુવાનો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. લોહીલુહાણ બિરેનને અત્યંત નાજુક હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન પાંચમી સપ્ટેમ્બરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આણંદમાંથી ધોરણ ૧૨ પાસ કર્યા બાદ બિરેન પટેલ ૨૦૦૧માં સાઉથ આફ્રિકા ગયો હતો. જ્યાં તેણે થોડા વર્ષોમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. દસ વર્ષ પૂર્વે તેણે પ્રોવિઝન સ્ટોરની શરૂઆત કરી હતી. બિરેને સ્થાનિક યુવતી મારિયા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને સંતાનમાં રેશ્મા અને તાન્યા નામની બે દીકરીઓ છે. જોકે દંપતી છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહે છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, સપ્તાહમાં એક વખત બિરેન તેની પત્નીને મળવા જતો હતો. આ હુમલાની જાણ તેની પત્ની મારિયાને થતાં જ તે સ્ટોર પર દોડી ગઈ હતી. પરિવારજનોએ બિરેનના મૃતદેહને ભારત લાવવા માટે તેની પત્ની મારિયા પાસે મદદની માંગણી કરતા તેણે મદદની ખાતરી આપી હોવાનું બિરેનના પરિવારજનોએ જણાવ્યું હતું.
પરિવારમાં કલ્પાંત
મરનાર બિરેનના પિતા નવીનભાઈ પરસોત્તમદાસ પટેલ આણંદમાં મુખીના ટેકરા પાસે રહે છે અને હાલ નિવૃત જીવન વિતાવે છે. જ્યારે માતા મીનાબહેન આણંદની ખાનગી સ્કૂલ શિશુવિહારમાં ફરજ બજાવે છે. બિરેનને સ્નેહા નામની બહેન પણ છે. બિરેનની હત્યાના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
માતા મીનાબહેને જણાવ્યું હતું કે છેલ્લે બિરેન ૨૦૦૭માં તેની પત્ની સાથે ભારત આવ્યો હતો. ગઇ ૩૦મી ઓગસ્ટે તેનો ફોન આવ્યો ત્યારે તેણે અમારા ખબર-અંતર પૂછ્યા હતા. તેમ જ આવતા જાન્યુઆરીમાં ભારત આવવાનો છે તેમ જણાવ્યું હતું. આ તેનો છેલ્લો ફોન હતો. અમે લોકો જાન્યુઆરી મહિનાની આતુરતાથી રાહ જોઇ રહ્યા અને ફોનના બે દિવસ બાદ તો તેની હત્યાના સમાચાર અમને મળ્યા. દીકરા સાથેની મુલાકાત આટલી જલ્દી અને આ રીતે થશે તે હજી માન્યામાં આવતું નથી.
ચરોતરના વતનીઓ પર સાત મહિનામાં નવ હુમલા
• ૬ ફેબ્રુઆરી: પીજના ૫૭ વર્ષીય સુરેશનભાઈ પટેલ યુએસના અલાબામા સ્ટેટના હન્ટસવિલેમાં પોલીસે ધક્કો મારતાં લકવાગ્રસ્ત થયા.
• ૧૫ ફેબ્રુઆરી: ઉત્તરસંડાના ૨૮ વર્ષીય અમીત પટેલ પર યુએસના ઈવિન્ગ્ટનમાં લીકરશોપમાં ગોળીબાર થતાં મોત.
• ૨૧ માર્ચ: સામરખાના આશિષ પટેલ પર યુએસના નોર્થ કેરોલિનામાં ગોળીબાર. સારવાર વેળા મોત.
• ૭ એપ્રિલ: બોરસદના ૩૯ વર્ષીય સંજય પટેલ પર ફોર્બ્સ એવેન્યુ ખાતે થયેલા ફાયરિંગમાં મોત.
• ૨૦ એપ્રિલ: પેટલાદના ભવાનીપુરાના પિનાકીન પટેલનું યુકેના ડિટેન્શન સેન્ટરમાં શંકાસ્પદ મોત.
• ૩૦ એપ્રિલ: ૫૦ વર્ષીય મૃદુલાબેન પટેલ પર યુએસના ટેક્સાસમાં સ્ટોર પર ફાયરિગ. સારવાર દરમિયાન મોત.
• ૩૦ જૂન: જર્મનીના હેમ્બર્ગ સીટીમાં ટીયુએચએચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નડિયાદના અંકુર માંડલનું હોસ્ટેલના બાથરૂમમાં આકસ્મિક મોત.
• ૧૬ ઓગસ્ટ: સોજિત્રાના કાસોરના વતની કાંતિભાઈ અને હંસાબેન પટેલનું યુએસના સાઉથ કરોલિનાની મોટેલમાં અજાણ્યા શખ્સે કરેલા ફાયરિંગમાં મોત.