જગતનો તાત ચિંતાતુર

Wednesday 09th September 2015 05:51 EDT
 
 

નવી દિલ્હી, ગાંધીનગરઃ ચોમાસાના પહેલા રાઉન્ડમાં ભરપૂર મહેર વરસાવીને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જનાર મેઘરાજાએ પુનરાગમનમાં ભારે વિલંબ કરતાં ગુજરાતના ખેડૂતોને બેવડો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કૃષિ નિષ્ણાતોના મતે હવે પાક તૈયાર થવામાં છે ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોને ભારે નુકસાન થવાનું જોખમ છે. આ સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, સમગ્ર દેશમાં આ હાલત છે.
નબળાં ચોમાસાના કારણે ભારતના ઉજળા આર્થિક સંજોગો ખોરવાય જાય તેવું જોખમ સર્જાયું છે. જો હજુ પણ વરસાદ ન આવે તો ૨૦૦૯ પછી ૨૦૧૫ સૌથી કોરું વર્ષ નીવડે તેમ છે. આમાં પણ ગ્રામીણ ભારતની હાલત વધુ ખરાબ છે. જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન ભારતની અડધોઅડધ જમીનમાં પાકનું વાવેતર થઇ ગયું હોય છે. જોકે વરસાદ અને સિંચાઇની સુવિધાના અભાવે તે હવે મૂરઝાવા માંડ્યો છે. ગ્રામીણ ભારતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને માત્ર કૃષિ પર નભતાં પરિવારો માટે સૌથી ખરાબ દિવસો આવ્યા છે.
૧૧૫ વર્ષમાં આ ચોથી વખત એવું બનશે કે સતત બે વર્ષ દુષ્કાળ કે દુષ્કાળ જેવી સ્થિતિ રહી હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સ્થિતિ પડકારજનક છે કેમ કે તેમણે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં સંતુલન સાધવાનું છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ૮૫માંથી ૭૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. વરસાદ ખેંચાતા રાજ્યના ૫૫ ટકા વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ૧૫ સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે રાજ્યના કૃષિ ઉત્પાદનને મોટો ફટકો પડે તેવા સંજોગો ઊભા થતાં કૃષિ વિભાગ ચિંતિત બન્યો છે.
જૂન અને જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહમાં ડીપ ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી અને જાનમાલનું મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે નવ જિલ્લાઓમાં ભારે ખુવારી થઈ હતી.
આ વિસ્તારમાં જે વાવેતર થયું હતું તે લગભગ ધોવાઈ ગયું હતું અથવા તો અસર પામ્યું હતું. હવે ઓગસ્ટ મહિનો લગભગ સાવ કોરો જતાં વરસાદની ખેંચ પડી છે. આથી જ્યાં વાવેતર થયું છે ત્યાં એક-બે વરસાદની ઊણપથી ઉત્પાદન ઓછું થવાનો કે ઉત્પાદનની ગુણવત્તાને ભારે અસર થવાની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં ત્રીજી સપ્ટેમ્બર સુધીમાં થયેલા વરસાદના આંકડાઓ મુજબ સરેરાશ ૬૭ ટકા જેટલો વરસાદ થયો છે.
કૃષિ નિષ્ણાતોના મતે ડાંગર, કપાસ, મગફળી, કઠો, એરડાં (દિવેલાં)નું જે વાવેતર થયું છે તેને હવે વરસાદની જરૂર છે. જ્યાં સિંચાઈનાં બીજા સ્રોત છે ત્યાં તો પાક સાચવવાની કોશિશ થઈ રહી છે, પણ આસમાની ખેતી આધારિત વિસ્તારોમાં વરસાદની ખેંચ ઉત્પાદન ઘટાડો નોંતરે તેવું વાતાવરણ છે. જેમ કે, ડાંગર ભરપૂર પાણી માગતો પાક છે, જે પાણીના અભાવે કાં તો સૂકાય અથવા તો ઓછા પાણીને કારણે પાકની ગુણવત્તાને અસર પહોંચી શકે છે. કઠોળનો પાક છેડે આવેલો છે છતાં એકાદ-બે પાણીના અભાવે દાણા નાના થવાની સંભાવના છે.
દુકાળમાં અધિક માસઃ ચોમાસાની વહેલી વિદાય
ગુજરાતમાં ખરા અર્થમાં દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં એક તરફ અપૂરતો વરસાદ પડ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાંથી ચોમાસું વહેલું વિદાય લઇ રહ્યું હોવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૧૫ના ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નૈઋત્યના મોસમી પવનો રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાંથી પાછા ફરી રહ્યા છે. ચોમાસાની ગ્રીડ પાછી ફરી રહી છે. હાલમાં રાજસ્થાનના અનોપગઢ, જોધપુર, બિકાનેર અને મહારાષ્ટ્રના નાગપુર સુધી ચોમાસાની ગ્રીડ પાછી ફરી છે અને હવે આ અઠવાડિયે ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાનો પ્રારંભ થશે.
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેવા સંકેત જોવા મળ્યા છે. ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને પવનની દિશા પણ બદલાઈ છે. નૈઋત્યના મોસમી પવનોનો પ્રભાવ ઓસરી ગયો છે. ૨૦૧૫ના વર્ષનું ચોમાસું ગુજરાતમાં નબળું પૂરવાર થયું છે. કોઈ પણ નવી સિસ્ટમ સર્જાય તેવી સંભાવના નહીંવત્ હોવાથી વરસાદની આશા રાખવી મુશ્કેલ છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યના મોસમી પવનો પરત ફરી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી ચોમાસું હજુ વધુ પીછેહઠ કરશે. ગુજરાતમાંથી સામાન્ય રીતે ચોમાસું ૧૫મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીમાં વિદાય લેતું હોય છે. આ વખતે વહેલી વિદાય લે તેવી શક્યતા છે.
૧લી જૂનથી ૬ સપ્ટેમ્બર સુધીની સ્થિતિ જોતાં દેશભરમાં સરેરાશ વરસાદની સરખામણીએ ૧૨ ટકા જેટલી ઘટ રહી છે. ઓગસ્ટ માસ લગભગ કોરો રહ્યો છે. મધ્ય ભારતના રાજ્યોમાં સરેરાશ વરસાદ ૧૮ ઈંચ જેટલો થયો છે, જે સરેરાશ કરતા ૧૬ ટકા ઓછો છે.
ગુજરાતના ૨૦૧૫ વર્ષના કચ્છ, પાટણ અને બનાસકાંઠા તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં લો પ્રેશરના કારણે સર્જાયેલી અતિવૃષ્ટિને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસું નબળું રહ્યું છે.

ગુજરાતના અમુક ભાગમાં તો માંડ ૫૦ ટકા વરસાદ

ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષના સરેરાશ વરસાદ સામે અત્યાર સુધીમાં સરેરાશ ૬૬.૪૪ ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ૫૦ ટકા તથા પૂર્વ-મધ્ય ઝોનમાં ૫૦.૯૫ ટકા જ વરસાદ પડયો છે.
સૌથી વધુ વિચિત્ર બાબત તો એ છે કે, સૌથી વધુ વરસાદ માટે ‘ગુજરાતના ચેરાપુંજી’નું બિરુદ મેળવનાર ડાંગ જિલ્લામાં સિઝનનો માંડ ૪૦ ટકા જ વરસાદ નોંધાયો છે. દક્ષિણમાં સૌથી ઓછો ૯૭૧ મી.મી. વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. સામાન્ય રીતે ડાંગમાં સિઝનમાં સરેરાશ ૨૩૯૨ મી.મી. વરસાદ થાય છે. અન્ય જિલ્લાની વાત કરીએ ભરૂચમાં સિઝનનો ૫૩.૫૫ ટકા, નર્મદા જિલ્લામાં ૪૮.૪૦ ટકા, તાપીમાં ૪૯.૮૪ ટકા, સુરતમાં ૫૨.૯૦ ટકા, નવસારીમાં ૪૩.૫૭ ટકા અને વલસાડમાં ૫૩.૫૪ ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર


comments powered by Disqus