લંડનઃ એસેક્સમાં રહેતી ૧૨ વર્ષની એક ભારતવંશી બાળકીએ ૧૬૨નો આઇક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) સ્કોર મેળવીને વિક્રમ સર્જ્યો છે. આ આંક મહાન વિજ્ઞાનીઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટિફન હોકિંગના આઈક્યુ કરતાં પણ વધુ ઊંચો છે.
લીડિયા સેબસ્ટિયન નામની આ બાળકીએ કેટલ થ્રી-બી નામનું પેપર પાસ કરી લીધું છે, જેનું પરીક્ષણ મેન્સાએ કર્યું હતું. મેન્સા ખૂબ જ ઊંચો આઈક્યુ ધરાવતા લોકોની સોસાયટી છે. બર્કબેક કોલેજમાં યોજાયેલી ટેસ્ટમાં લીડિયાએ ગણતરીની મિનિટોમાં જ પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
લીડિયાએ કહ્યું હતું કે, ‘શરૂ-શરૂમાં તો હું નર્વસ હતી. શું કરવું તે મને કંઇ જ સમજાતું નહોતું, પણ એક વાર મેં પેપર લખવાનું ચાલુ કર્યું એ પછી બધું જ મારા માટે સરળ થઈ ગયું હતું. મેં ધાર્યું હતું એના કરતા ઘણાં સરળ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કારણથી હું ખુશ થઈ ગઈ હતી.’
આ પેપરમાં ભાષાના કૌશલ્યની ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાખ્યાઓ પણ પૂછવામાં આવે છે અને લોજિકની સેન્સ કેવી છે તેની પણ આકરી કસોટી કરવામાં આવે છે. એટલું જ નહીં, આ પેપરમાં પ્રશ્ને પ્રશ્ને યાદશક્તિની પણ કસોટી થાય છે.
લીડિયાના પિતા અરુણ સેબસ્ટિયન કોલચેસ્ટર જનરલ હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ છે. તેમણે કહ્યું હતું કે, ‘હું મારી પુત્રીના આઈક્યૂ ટેસ્ટ માટે વેબસાઈટો ફંફોળતો હતો. બાદમાં આ માહિતી મેં લીડિયાને આપી હતી અને તેને પણ એમાં રસ પડ્યો હતો. મારી પુત્રીએ હેરી પોટર શ્રેણીના સાતેય પુસ્તકો ત્રણ-ત્રણ વાર વાંચ્યા છે. તે વાંચનની ગજબ શોખીન છે. તે માત્ર છ મહિનાની હતી ત્યારથી જ સામાન્ય બાળકો કરતા ઘણી વધુ સારી રીતે વાતચીત કરતા શીખી ગઈ હતી.’