વગર પ્લાને પ્રોપર્ટી નિર્માણ પિતા-પુત્ર દંડાયા

Tuesday 10th March 2015 14:25 EDT
 

લંડનઃ નીસડનના મકાનને ગેરકાયદે પાંચ સબ-સ્ટાન્ડર્ડ ફ્લેટ્સમાં ફેરવી નાખીને ભાડે આપી દેનાર કેન્સાલ રાઈઝના ખીમજી રામજી પટેલ અને તેમના પુત્ર નારણ ખેતાણીને વિલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે છ-છ હજાર પાઉન્ડના વ્યક્તિગત દંડ ઉપરાંત કાઉન્સિલની કોસ્ટ પેટે ૬૧૩ પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો છે. મકાનમાલિક પિતા-પુત્રે આ નિર્માણકાર્ય માટે બ્રેન્ટ કાઉન્સિલ પાસેથી પ્લાનિંગ પરમિશન જ મેળવી નહોતી.
મોર્ટિમેર રોડ પર રહેતા ખીમજી રામજી પટેલ અને પુત્ર નારણ ખેતાણીએ પ્રાઉટ ગ્રોવસ્થિત પ્રોપર્ટી પર ગેરકાયદે ફ્લેટ્સના નિર્માણ ઉપરાંત, પાછળના બગીચામાં એક માળનું વિસ્તરણ કર્યું હતું. આ તમામ પ્રકારના બાંધકામ માટે પ્લાનિંગ અને સેફ્ટી નિયમોની ધરાર અવગણના કરવામાં આવી હતી. પિતા-પુત્રે કાઉન્સિલ દ્વારા અાપવામાં આવેલી અનેક ચેતવણીઓની સતત ઉપેક્ષા કરી હતી એટલું જ નહીં, ગેરકાયદે બાંધકામ તોડવું પડે તેવા એન્ફોર્સમેન્ટ ઓર્ડરને પણ ફગાવી દીધો હતો.
બ્રેન્ટ કાઉન્સિલમાં રીજનરેશન એન્ડ હાઉસિંગના અગ્રણી સભ્ય કાઉન્સિલર માર્ગારેટ મેક્લેનને જણાવ્યું હતું કે ખીમજી રામજી પટેલ અને નારણ ખેતાણીને કાઉન્સિલ તરફથી પ્લાનિંગ પરમિશન આપવામાં ન આવી હોવા છતાં તેમણે બાંધકામ આગળ વધાર્યું જ કર્યું હતું. તેમણે આ અંગે આપવામાં આવેલી અનેક ચેતવણીઓને પણ ગણકારી નહોતી.
કોર્ટે આ તમામ બાબતોની નોંધ લઈને ગુના બદલ ભારે દંડ ફટકાર્યો હતો. પ્લાનિંગ કન્ટ્રોલનો કડક અમલ કરાવવા બ્રેન્ટ કાઉન્સિલે આ પગલું લેવું પડ્યું છે. હવે આ લોકોએ એન્ફોર્સમેન્ટ નોટિસનો અમલ કરવો જ પડશે અથવા વધુ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.


comments powered by Disqus