લંડનઃ વય વધવા સાથે માણસ તનથી નહીં, પણ મનથી જ ઘરડો થતો હોય છે. જો આવું ન હોત તો મક્કમ મનોબળ ધરાવતા વડીલો યુવાનોને પણ શરમાવે તેવી ચુસ્તી અને સ્ફુર્તિથી અવનવા વિક્રમો સર્જતા ન હોત... ‘વર્લ્ડસ ફિટેસ્ટ ઓલ્ડ એજ પેન્શનર’નું હુલામણુ નામ ધરાવતા ૯૫ વર્ષીય દાદા ચાર્લ્સ યુજેસ્ટરે માત્ર ૫૫.૪૮ સેકન્ડ્સમાં ૨૦૦ મીટરની ઇન્ડોર દોડ પૂરી કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે.
લંડનમાં જન્મેલા અને વ્યવસાયે નિવૃત્ત ડેન્ટિસ્ટ ડો. ચાર્લ્સ યુજેસ્ટર હલેસાં મારવાની તથા બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેતા રહે છે. હવે તેમણે ૨૦૦ મીટરની ઈન્ડોર દોડસ્પર્ધામાં તેમના વયજૂથમાં નવો વિશ્વવિક્રમ નોંધાવીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. ડો. યુજેસ્ટરે જીવનની ઢળતી સાંજ એટલે કે છેક ૮૫ વર્ષની વયે શારીરિક ચુસ્તતાની કસોટી કરે તેવા ક્ષેત્રે ઝૂકાવ્યું ત્યાર પછી સ્પર્ધાત્મક સ્તરે ફિટનેસ શિખરો પાર કરતા રહ્યા છે. સિલ્વર ગ્રે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તેમનો વીડિયો પણ યુટ્યૂબ પર મુકવામાં આવ્યો છે. આ સંસ્થા ૫૦ વર્ષથી વધુ વયે પણ સાહસપૂર્ણ સ્પોર્ટ્સમાં ભાગ લેતા લોકોને સપોર્ટ કરે છે.